ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને મેજિસ્ટ્રેટે ખખડાવી નાખ્યા!

અમદાવાદ: રદ થયેલી રૂ.500 અને 1000ની કુલ 47 લાખની કિંમતની ચલણી નોટ પોલીસના નામે લૂંટી જવાના ચકચારી કિસ્સામાં જવાબ રજૂ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર થયેલા ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇની એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટે આકરા શબ્દોમાં ઝાટણી કાઢી છે. ક્રાઇમ બ્રાંચે 7 વેપારી વિરુદ્ધમાં મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક પડાવી લેવાની આઇપીસીની કલમ 386 મુજબ ગુનો દાખલ કરવા મામલે મેટ્રો કોર્ટે ખુલાસો કરવા આદેશ કર્યો હતો. પીએસઆઇએ કોર્ટ સમક્ષ ઉડાઉ જવાબ આપતાં સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.

જૂની નોટ બદલાવવા માટે મિત્તલબહેન જયદીપભાઇ પટેલ એક્ટિવા લઇને ગયાં હતાં. જેમાં સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસની ઓળખ આપીને રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. જયદીપ પટેલને 47 લાખ રૂપિયા બદલવા માટે આપનાર 7 વેપારીઓએ જયદીપને તેની જ ઓફિસમાં બેસાડીને ધોલ ધાપટ કરી હતી.

મિત્તલબહેને કમિશનર પાસે મદદ માગી હતી જેમાં ક્રાઇમ બ્રાંચે જયદીપ પટેલને 7 વેપારીઓના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે 7 વેપારીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. વેપારીઓએ પોતાના રૂપિયા પરત લેવા માટે જપદીપ પટેલ પાસે માગણી કરી હતી જેમાં જયદીપની પત્નીએ ખોટી ફરિયાદ દાખલ કરાવી હોવાની રજૂઆત વેપારીના વકીલ આર.કે.રાજપૂતે મેટ્રો કોર્ટ સમક્ષ કરી હતી.

જેને લઇને એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટે તપાસનીશ અધિકારી પીએસઆઇ કે.આઇ.જાડેજાને નોટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવા આદેશ કર્યા હતા. ગઇ કાલે ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી અને પીએસઆઇ કે.આઇ.જાડેજા કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. મેજિસ્ટ્રેટે આઇપીસીની કલમ 386 કેમ લગાવી અને કલમ 387 કેમ ના લગાવી તે મામલે ખુલાસો કરવા પૂછ્યું હતું. જેમાં પીએસઆઇ કે.આઇ.જાડેજાએ જણાવ્યુ કે અમને જે યોગ્ય લાગી તે કલમ અમે લગાવી, જો આરોપીને ક્વોશિંગમાં જવું હોય તો તે જઇ શકે છે. પીએસઆઇના જવાબ સાંભળીને મેજિસ્ટ્રેટ કહ્યું હતું કે તમારે સલાહ આપવાની જરૂર નથી ત્યારબાદ પીએસઆઇએ ગુસ્સે થઇને કોર્ટ સમક્ષ ફરીથી જણાવ્યું હતું કે અમને યોગ્ય લાગ્યું તો અમે આઇપીસીની કલમ 386 લગાવી છે.

પીએસઆઇનો ઉડાઉ જવાબ આપતાની સાથે મેજિસ્ટ્રેટ પીએસઆઇ તથા તેમની સાથે રહેલા પીઆઇ કે.જી.ચૌધરીનો ઉધડો લીધો હતો અને આકરા શબ્દોમાં કહ્યુ હતું કે તમારી વાત કરવાની આ પદ્ધતિ યોગ્ય નથી. તમે પોતાની જાતને ન્યાયતંત્રથી પણ ઉપર માનો છો…? મગજમાં જે રાઇ ભરી હોય તે કાઢી નાખજો…સમગ્ર કેસ મામલે જો ઉડાણપૂર્વક તપાસ થાય તો સાચી હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે.
http://sambhaavnews.com/

You might also like