ક્રાઇમ બ્રાન્ચને અપાયું મિશન ઘરફોડ ચોરોને ઝડપી લો

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી ઘરફોડના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન પાંચ જ દિવસમાં પ૦ લાખની વધુની ઘરફોડ થઇ હતી. જેના પગલે હવે પોલીસ રહી રહીને સફાળી જાગી છે અને ક્રાઇમ બ્રાન્ચે હવે ઘરફોડને અટકાવવા નવું મિશન ઘરફોડ ચોર ઝડપો શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય ગુનાઓના ડિટેકશન કરતાં ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવા પર વધુ ભાર આપી રહી છે. દિવાળી અગાઉ પોલીસ કમિશનર શિવાનંદ ઝા દ્વારા કરાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં તહેવારો દરમિયાન ઘરફોડ ચોરીઓ ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇઓને ઘરફોડ અટકાવવા પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું છતાં પણ શહેરમાં ઘરફોડની ઘટનાઓ અટકી નહોતી અને તેમાં સતત વધારો થઇને લાખો રૂપિયાની ઘરફોડ થઇ હતી.

જેના પગલે હવે ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં આવી છે અને ઘરફોડના ગુનાઓને અટકાવવા માટે ઘરફોડિયાઓને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે ઘરફોડ કરતી ગેંગોની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુુસાર ક્રાઇમ બ્રાન્ચના તમામ પીઆઇઓને જણાવવામાં આવ્યું છે કે તમારા બાતમીદારોને એકિટવ કરીને શહેરમાં થયેલી ઘરફોડની ઘટનાઓમાં સંડોવાયેલી ગેંગો અંગે માહિતી મેળવી આરોપીઓને ઝડપી લે.

You might also like