ગેંગ-ગુનેગારોની ‘કરમ કુંડળી’ હવે એક ક્લિકમાં મળશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રોજે રોજ વધી રહેલી ચોરી , લુંટ અને હત્યા જેવી ઘટનાઓને રોકવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા આવા રીઢા અને અગાઉ પણ કોઈ ગુનામાં પકડાયેલા હોય તેવા ગુનેગારોની કુંડળીઓ ભેગી કરીને તેમની એક “હિસ્ટ્રી બેંક” તૈયાર કરવામાં આવી રહી છે.

શહેરમાં ગંભીર ગુનાઅોની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવતી હોય છે. આવા અપરાધમાં ગુનેગારોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા દરેક ગુનેગારની હિસ્ટ્રી તેમના ડેટા બેંકમાં મૂકવામાં આવતી હોય છે. પોલીસે અપરાધીઓ ક્યાં ગુનામાં પકડાયા હતા , ક્યારે છૂટ્યા હતા અને હાલમાં તેઓ શું કરે છે તેની સંપૂર્ણ માહિતીનો ડેટા ક્રાઈમ બ્રાંચ દ્વારા કમ્યૂટરમાં ફીડ કરવામાં આવી રહ્યો હોય છે. ક્રાઈમ બ્રાંચનાં સૂત્રોનું કહેવું છે કે જો કોઈ મોતા અપરાધની ઘટના બને તો તરત તેની ઉપર ફોકસ કરીને એ ગેંગ કે અપરાધીઓની માહિતીમાંથી ગુનાનો ઉકેલ લાવી શકવામાં મદદ મળી રહે છે. ખાસ કરીને ગેંગનો એક સભ્ય અપરાધમાં સંડોવાય તે પછી અપરાધ પાછળ આખી ગેંગ કેવી રીતે કામ કરતી હોય છે તે માહિતીનો ઉલ્લેખ પણ આ હિસ્ટ્રી બેંકમાં કરવામાં અાવશે.

થોડાં વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં લતીફનું એન્કાઉન્ટરમાં મોત નિપજ્યા બાદ તેની ગેંગનાં 105 જેટલા સભ્યો અલગ અલગ રાજ્યમાં કે વિસ્તારમાં વિખરાઈ ગયા હતા અને તે પછી તે ક્યા છે અને શું કામ કરે છે તેની વિગતો ન હતી. આ માટે હવે ક્રાઈમ બ્રાંચ તેમજ શહેરના કેટલા પોલીસ વડા પાસે રીઢા ગુનેગારોની માહિતી એકઠી કરી તેને સ્ટોર કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, અમાદાવાદ શહેરની ગેંગની માહિતી , ગેંગમાં કુલ કેટલા લોકો છે તે બધી માહિતી ભેગી કરવા માટે એક ઉચ્ચ અધિકારીનાં બાતમીદારો અને આશરે 12થી વધુ માણસો માહિતી એકઠી કરી રહ્યા છે. આ માહિતીને લઈ ભેગી કર્યા બાદ અધિકારીની સુચના મુજબ અપરાધીઓને કુંડળીનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વહાબ ગેંગના કુલ 40 જેટલા સભ્યોનાં નામ છે, તો લતીફ ગેંગનાં 105 જેટલા સભ્યોનાં નામ પણ યાદીમાં ઉમેરવામાં આવશે . બાબા ખાનનાં 13 જેટલા સભ્યોનાં નામ ખૂલવામાં આવ્યાં છે. જ્યારે આના સિવાય મહેબૂબ સિનિયર , વિશાલ ગોસ્વામી જેવા મોટા માથાઓની ગેંગનાં સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આટલું જ નહી , ચેન સ્નેચિંગ અને ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી કે પછી જામીન પર કોઈ આપરાધી છોડવામાં આવ્યો હોય શહેરમાં ગંભીર બનાવ બને ત્યારે આ અપરાધીની બાતમીદાર તરીકે પણ મદદ લેવામાં આવતો હોય છે.

અા અંગે ક્રાઈમ બ્રાન્ચ અેસીપી કે.એન. પટેલે જણાવ્યું કે, કોઈપણ રીઢો ગુનેગાર પકડાયા બાદ હવે તેની ગુનાની અને તે અગાઉ કોઈ ગેંગનો સભ્ય છે અને બીજા કેટલા સભ્ય છે તેનો માહિતી હવે કોમ્પ્યુટરમાં નાખી ડેટા બેંક તૈયાર કરવામાં અાવી રહી છે. રીઢા ગુનેગાર હોય તેના પર વોચ પણ રાખવામાં અાવે છે. જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં પણ તે માહિતી મોકલવામાં અાવે છે.

You might also like