ક્રાઈમ બ્રાન્ચમાં દારૂ કેમ પકડાવ્યો કહી યુવકને છરીના ઘા માર્યા

અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી જાહેરમાં તલવારો અને છરી વડે લોકો પર હુમલો કરવામાં આવે છે. કાલુપુર રેલવે સ્ટેશન સામે યુસુફ કાણિયા નામના શખસે એક યુવકને ક્રાઈમ બ્રાન્ચમાં દારૂ કેમ પકડાવ્યો કહી રોડ પર દોડાવી અને તેને છરીના ઘા માર્યા હતા.ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.કાલુપુર પોલીસે યુસુફ કાણિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,સરસપુર વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ પાર્ક ઇન્ડિયા બુલ્સ ખાતે રહેતો યુવક મહેશ ઠાકોર કાલુપુર શાક માર્કેટમાં શાક ભાજીનો વેપાર કરે છે. ત્રણ દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે સરસપુર સેન્ટ્રલ પાર્ક ઇન્ડિયા બુલ્સ નજીકથી દારૂનું કટિંગ કરતાં બે શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મહેશે આ દારૂ પકડાવ્યાની અદાવત રાખી અને સરસપુર જાલમપુરીની ચાલીમાં રહેતા યાસિન કાણિયાએ મહેશને રાતે ફોન કરી ગુલશન હોટેલ પાસે બોલાવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચમાં મારો ઈંગ્લિશ દારૂ પકડાવ્યો છે,તેના તારે પૈસા આપવા પડશે કહ્યુ હતું.બાદમાં તેઓ વાત કરીને જતા રહ્યા હતા અને કાલુપુર સર્કલ પસે મહેશ અને તેનો મિત્ર ચા પીતા હતા ત્યારે યાસિન અને તેના ત્રણ મિત્રો આવ્યા હતા અને તારું કામ છે કહી એક્ટિવા પર બેસાડી ઇન્જટ પાસે લઇ જઇ અને માર માર્યો હતો.

મહેશ રોડ પર ભાગતાં યાસિનના મિત્રોએ તેને પકડી લીધો હતો અને યાસિને મહેશને છરીના ઘા માર્યા હતા. લોકો ભેગા થતાં તેઓ ફરાર થઇ ગયા હતા.ઈજાગ્રસ્ત મહેશને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને બાદમાં સારવાર માટે રખિયાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.કાલુપુર પોલીસે યુસુફ કાણિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like