ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલને ઉઠાવી જઈને ઢોર માર માર્યો

અમદાવાદ: એક સમયે માત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નામ સાંભળતાં જ ગુનેગાર કાંપી ઊઠતા હતા. એ જ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલો પર હવે આરોપી અને લોકો હુમલો કરીને ઢોર માર મારવાની ઘટનાઓ બની રહી છે. થોડા સમય અગાઉ ખોખરામાં આરોપીને પકડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો બનાવ તાજો જ છે ત્યાં નરોડા વિસ્તારમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દ્વારા સરકારી વાહનથી અકસ્માત બાદ લોકોનાં ટોળાંંથી બચવા જતા રહેતા કાર અને બાઇક પર આવેલા આઠ જેટલા શખ્સે કોન્સ્ટેબલને આંતરી કારમાં બેસાડી અપહરણ કરી અકસ્માત જગ્યાએ લાવી ઢોર માર માર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતાં નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે નરોડા રાધે બંગલોમાં રહેતા અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કનકસિંહ ચાવડા સરકારી વાહન લઇ નરોડા-દહેગામ રોડ પરથી જઇ રહ્યા હતા ત્યારે અચાનક એક સાઇકલ ચાલક વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં તેઓએ નીચે ઊતરીને ઇજા પામનાર શખ્સને ૧૦૮માં ફોન કરીને સારવાર માટે લઇ જતા હતા. દરમિયાનમાં લોકોનું ટોળું ભેગું થઇ જતાં વાહનમાં તોડફોડની શંકાને લઇ તેઓ સરકારી વાહન લઇ જતા રહ્યા હતા.

દરમિયાનમાં નરોડા જીઆઇડીસીથી ગેલેકસી ચાર રસ્તા તરફ જતાં અચાનક મારુતિ કારમાં બે શખ્સ અને બાઇક પર આવેલા શખ્સે એકાએક પોતાનાં વાહન સરકારી વાહનની આગળ ઊભાં રાખી ગાળો આપી, “સાલે પુલિસવાલે હો તો કયા હુઆ આજ તો તુમ્હેં યહાં ખતમ કર દેંગે” કહી તેઓને બળજબરીથી ગાડીમાં બેસાડીને ઘટનાસ્થળે લઇ ગયા હતા અને ઢોર માર માર્યો હતો. બાદમાં આરોપીઓ ફરાર થઇ ગયા હતા. માર મારનાર ઇસમો સત્યપ્રકાશ ઉર્ફે બાબુ સોની, વિશાલ ઉર્ફે મગનભાઇ ચૌહાણ અને શશીકુમાર પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલ આ અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સરદારનગરમાં ગત ૨૯ નવેમ્બરની મોડી રાતે કોન્સ્ટેબલ દિનેશ સાગરભાઇ અને કરણસિંહ કનુસિંહ તથા અન્ય એક કોન્સ્ટેબલ દરોડા પાડવા માટે દેશી દારૂના અડ્ડા પર ગયા હતા. પોલીસની ગાડી જોતાંની સાથે દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવતો બુટલેગર આકાશ ઉર્ફે અકો શ્યામજી સુજનાણી, તેની માતા હેમા સુજનાણી, નિખિલ અને અન્ય ચાર-પાંચ યુવકે કોન્સ્ટેબલ દિનેશ અને કરણને ઘેરી લીધા હતા.

આકાશે દિનેશના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને ચાલીના એક રૂમમાં લઇ જઇને પૂરી દીધો હતો. પોલીસે દિનેશ અને કરણને બુટલેગરોના સકંજામાંથી છોડાવ્યા હતા. કોન્સ્ટેબલ દિનેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલાં ખોખરાના ભાઇપુરા વિસ્તારમાં ક્રાઈમબ્રાન્ચની ટીમ પર હુમલો કરી અારોપીને ભગાડી જવાયો હતો. દિવાળી પહેલાં પણ રખિયાલમાં ક્રાઇમ બ્રાંચના બાતમીદારના ત્યાં વિદેશી દારૂની રેડ પર પાડવા ગયેલી ક્રાઇમ બ્રાંચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like