નવી દિલ્હી: મેચ ફિક્સિંગના મામલે ફસાયેલા ઇન્ડીયન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંથ ખૂબ ટૂંક સમયમાં રાજકીય કરિયર શરૂ કરવા જઇ રહ્યાં છે. સમાચારો અનુસાર શ્રીસંત ભાજપ જોઇન કરી શકે છે. ભાજપ તેમને કેરલ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે.
કેરલમાં 16 મેના રોજ ચૂંટણી છે. સૂત્રોનું માનીએ તો ભાજપના કેટલાક નેતા શ્રીસંથ સાથે સંપર્કમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે નિર્ણય લેવા માટે પૂર્વ ક્રિકેટરે બુધવાર સાંજ સુધીનો સમય માંગ્યો છે. કોઇપણ ફેંસલો લેતાં પહેલાં શ્રીસંથ પોતાના પરિવાર સાથે ચર્ચા કરવા માંગે છે.
પાર્ટીન સૂત્રોના જણાવ્યા અનુસાર જો શ્રીસંથ ભાજપનું પ્રપોજલ સ્વિકારી લે છે, તો પાર્ટી તેમને મંત્રી કે.બાબૂ વિરૂદ્ધ ત્રિપુન્નિથુરા વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. શ્રીસંથ આ અંગે ટૂંક સમયમાં જ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે.
જો કે, કેરલના બીજેપી યૂનિટે શ્રીસંથને ટિકિટ આપવાના સમાચારને નકારી કાઢ્યા છે. કેરલના બીજેપી યૂનિટ અનુસાર, જે બે સીટોને લઇને સમાચાર આવી રહ્યાં છે તેનાપર પહેલાંથી જ ઉમેદવાર જાહેર થઇ ચૂક્યાં છે.
શ્રીસંથ પર 2013માં આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. 2008માં તે એક મેચ દરમિયાન ક્રિકેટર હરભજન સિંહના તમાચાને લઇને પણ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત તેમણે ડાંસ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો.