હાર્દિકનાં પરિવારે ખરીદ્યુ દોઢ કરોડનું મકાન : વર્ષાંતે ઘર બદલશે

વડોદરા : ટી-20 વર્લ્ડ કપમાં પોતાનાં પ્રદર્શન દ્વારા લોકોનું દિલ જીતનારા હાર્દિક પંડ્યાનો સિતારો હવે ચમક્યો છે. હાર્દિક પંડ્યાનાં પરિવારે વડોદરાનાં વાસણા રોડ પર 6 હજાર સ્કવેર ફૂટ વિસ્તારનું પેન્ટાહાઉસ ખરીદ્યું છે. હાલ તો આ ઘરનું કામ ચાલી રહ્યું છે. જો કે આગામી ડિસેમ્બર સુધીમાં આ ઘરનું કામ પુરૂ થાય તેવી શક્યતાઓ છે. ત્યાર બાદ હાર્દિક પરિવાર સહિત તે ઘરમાં શિફ્ટ થશે. હાલ હાર્દિકનો પરિવાર ગોરવા વિસ્તારમાં આવેલા પરિશ્રમ પાર્ક ખાતે રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકે નવુ ઘર જ્યાં ખરીદ્યું છે તે શહેરનો સૌથી પોશ વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં પેન્ટા હાઉસ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યું હોય તેવો અંદાજ લગાવાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકનો ભાઇ કૃણાલ પંડ્યા પણ ક્રિકેટર છે. કૃણાલને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા હાલમાં જ 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તો બીજી તરફ હાર્દિક પણ ટી-20 વર્લ્ડ કપમાં ટીમમાં પોતાનું સ્થાન મજબુત કરવાની સાથે લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની આ પહેલી ક્રિકેટર જોડી નથી. અગાઉ વડોદરાએ પઠાણબંધુઓની ભેટ પણ ટીમને આપી છે. પઠાણબંધુઓ બાદ આ પંડ્યા બંધુઓની બીજી એક જોડી ભારતીય ક્રિકેટમાં આવી છે. હાર્દિકનાં પરિવારે ખરીદેલા આ ઘરને ડિઝાઇન કરવા માટે દિલ્હીથી આર્કિટેક્ટને બોલાવવામાં આવશે. હાલ તો આ પેન્ટાહાઉસ સામાન્ય મકાન જેવું જ છે. જો કે તેને તૈયાર કરાઇ રહ્યું છે. પરિવારને રજવાડી લુક પસંદ હોઇ ઘરને રજવાડી લુક આપવામાં આવશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

You might also like