તમે ધોનીને જોયો-વિરાટને જોયો, પરંતુ આમને નથી જોયા તો કંઈ જ નથી જોયું

શિવિલ કૌશિક: ૨૦ વર્ષનાે શિવિલ કૌશિક ડાબોડી અનઓર્થોડોક્સ બોલર છે. તેની ખાસિયત છે તેની બોલિંગ એક્શન. શિવિલ દક્ષિણ આફ્રિકાના પોલ એડમ્સની જેમ કંઈક અનોખી એક્શનથી બોલિંગ કરે છે. કર્ણાટકનો આ બોલર આ સિઝનમાં ગુજરાત લાયન્સ તરફથી રમવાનો છે. તેને ગુજરાતની ફ્રેંચાઇઝીએ રૂ. ૧૦ લાખની બેસ પ્રાઇસમાં ખરીદ્યો છે. શિવિલ કૌશિકનું કહેવું છે કે, ”હવે હું મોટા ખેલાડીઓની સાથે રમીશ. આ મારા માટે ગૌરવ સમાન છે.” છ ફૂટ ઊંચાે આ બોલર તેની શાનદાર લાઇન લેન્થ માટે જાણીતો છે. કર્ણાટક પ્રીમિયર લીગમાં કૌશિકે શાનદાર બોલિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આઇપીએલમાં શિવિલ કૌશિકને પોતાની કરિયરને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે.

અક્ષય કર્નેવાર: અક્ષયને મિસ્ટ્રી બોલર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, કારણ કે તેની બોલિંગને સમજવી આસાન નથી. અક્ષય ડાબા અને જમણા- એમ બંને હાથે બોલિંગ કરી શકે છે. બેટ્સમેન તો એ સમજવામાં જ ચક્કર ખાઈ જાય છે કે અક્ષય લેફ્ટ આર્મ બોલર છે કે રાઇટ આર્મ બોલર… મહારાષ્ટ્રનાે અક્ષય વિદર્ભ તરફથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમ્યો અને પોતાની આ ટેલેન્ટથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે આઇપીએલમાં તે વિરાટની ટીમ RCB તરફથી રમશે.

મુરુગન અશ્વિન: આઇપીએલની નવમી સિઝન માટે ખેલાડીઓની હરાજીમાં મુરુગન અશ્વિન પર ૪.૫૦ કરોડની બોલી લાગી હતી, જ્યારે તેની બેસ પ્રાઇસ ફક્ત રૂ. ૧૦ લાખ જ હતી. હવે તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે જે ખેલાડીને તેની બેસ પ્રાઇસથી ૪૫ ગણી રકમથી ખરીદવામાં આવ્યો હોય એ કેવોક હશે! મુરુગન અશ્વિન ધોનીની ટીમ પુણે સુપરજાયન્ટ્સનો હિસ્સો છે. તે લેગ સ્પિનર છે અને તેની સૌથી મોટી ખાસિયત છે તેની કરકસરયુક્ત બોલિંગ. મુરુગન અશ્વિને છ ટી-૨૦ મેચમાં ફક્ત ૫.૫ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે અને ૧૦ વિકેટ પોતાના નામે નોંધાવી ચૂક્યો છે. મુરુગનની આ કાબેલિયત પર ધોનીની પારખુ નજર પડી છે અને તે આઇપીએલમાં પણ એક નવા સ્ટાર તરીકે ઊભરી શકે છે.

નાથુસિંહ: રાજસ્થાનનાે ફાસ્ટ બોલર નાથુસિંહ રાતોરાત કરોડપતિ બની ગયો. તેને આઇપીએલની નવમી સિઝન માટે યોજાયેલી હરાજીમાં ૩.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. એક મજૂરના પુત્રએ પોતાની ઝડપથી મોટા મોટા દિગ્ગજોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. તેની ઝડપનો નજારે પહેલી વાર રણજી ટ્રોફીની ડેબ્યુ મેચમાં જોવા મળ્યો. પોતાની પહેલી જ મેચમાં નાથુસિંહે દિલ્હી વિરુદ્ધ સાત વિકેટ ઝડપી અને હવે તે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો નજરે પડશે.

You might also like