ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા ભેદી રીતે ગુમ

અમદાવાદ: ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોકસિંહ બુમરાહ ગઇ કાલ બપોરથી ભેદી રીતેે ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. જસપ્રીતના દાદા તેને મળવા માટે થલતેજ વિસ્તારમાં આવેલ ગોયલ ઇન્ટરસિટી ખાતેના મકાને આવ્યા હતા, પરંતુ જસપ્રીતની માતા દ્વારા તેને ન મળવા દેવાની તેમજ ફોન નંબર ન આપવાના કારણે મનમાં લાગી આવતાં તેઓ ત્યાંથી ક્યાંક જતા રહ્યા હોઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીએ જાણવાજોગ નોંધાવી છે.

જસપ્રીતને ન મળવા દેવા અંગેના પારિવારિક કારણને લઇ મનમાં લાગી આવતાં તેઓ ઘર છોડી જતા રહ્યા હોવાનું પોલીસનું પ્રાથમિક કારણ છે, જોકે પોલીસે હાલ જસપ્રીતના દાદાની શોધખોળ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય અને ગુજરાતી ક્રિકેટર એવા જસપ્રીત બુુમરાહના દાદા સંતોકસિંહ બુમરાહ (ઉં.વ.૮૪) ઉત્તરાખંડ ખાતે રહે છે.

ગઇ કાલે તેઓ પંજાબથી અમદાવાદ ખાતે આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ જસપ્રીત બુમરાહને મળવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કોઇક કારણસર તેઓ જસપ્રીતને મળી શકતા ન હતા. ગઇ કાલેે સંતોકસિંહ અમદાવાદ ખાતે જસપ્રીતને મળવા માટે આવ્યા હતા, પરંતુ જસપ્રીતની માતા દલીબીરકૌર બુમરાહ (રહે. ગોયલ ઇન્ટરસિટી, થલતેજ)એ જસપ્રીતને મળવાની ના પાડી હતી અને તેનો મોબાઇલ નંબર પણ આપવાની ના પાડી હતી, જેથી તેઓને મનમાં લાગી આવ્યું હતું. ગઇ કાલ બપોર બાદ તેઓ અચાનક લાપતા થઇ ગયા હતા.

વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ પાસે રહેતી તેમની પુત્રીએ પણ આસપાસમાં શોધખોળ કરતાં તેઓ મળી આવ્યા ન હતા. સફેદ કલરનાે ઝભ્ભાે-લેંઘો અને ગ્રે કલરના સ્વેટર પહેરેલા જસપ્રીતના દાદાની અલગ અલગ જગ્યાએ પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેઓનો કોઇ પત્તો લાગ્યો નહોતો.

જેથી આ અંગે વસ્ત્રાપુર પોલીસમાં સંતોકસિંહની પુત્રીએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. એમ. જાડેજાએ જણાવ્યુું હતું કે બુમરાહની માતા જસપ્રીતને તેના દાદાને મળવાની ના પાડવાના પારિવારિક કારણને લઇ મનમાં લાગી આવતાં તેઓ ક્યાંક ચાલ્યા ગયા હોઇ અલગ અલગ જગ્યાએ તેમની શોધખોળ હાથ ધરી છે.

You might also like