આન્દ્રે રસેલઃ ક્રિકેટ વિશ્વનો નવો પાવર હિટર-ગેમ ચેન્જર

(એજન્સી)કોલકાતા: સિક્સ, સિક્સ, સિક્સ, ફોર અને ફરી સિક્સ… RCBના બોલર ટીમ સાઉદીને કંઇ સમજાતું નહોતું કે આન્દ્રે સરેલ નામના કેરેબિયન તોફાનમાં ઊડી જતાં ખુદને કેમ બચાવે. કોલકાતાના આ બેટ્સમેને માત્ર ૧૩ બોલ પર સાત છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ ૪૮ રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમીને જે અકલ્પનીય અંદાજમાં RCBના હાથમાંથી વિજયનો કોળિયો છીનવી લીધો તે આંખે જોયું હોવા છતાં વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, પરંતુ આ IPLમાં જે અંદાજમાં આન્દ્રે રસેલના નામનું તોફાન આવ્યું છે એક વાત સાબિત થઈ ચૂકી છે કે, ‘રસેલ છે તો, મુમકિન છે.’

ટી-૨૦ ફોર્મેટ અને IPLના ઈતિહાસમાં ક્રિકેટ ચાહકો અત્યાર સુધી ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલના દીવાના હતા. વચ્ચે એક બે બેટ્સમેન પોતાની બેટિંગની ચમક દેખાડી જતા હતા, પરંતુ રસેલના હાલનાં ફોર્મે તેને સૌથી આગળ લાવીને ઊભો કરી દીધો છે. ખાસ વાત એ છે કે વિસ્ફોટક બેટિંગની સાથે સાથે તે શાનદાર બોલિંગ પણ કરે છે, તેથી આ સિઝનમાં તે KKR માટે સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યો છે. રસેલે કિંગ્સ ઈલેવન પંજાબ સામે પણ માત્ર ૧૭ બોલમાં ૪૮ રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. આઈપીએલમાં રસેલે ફક્ત ૭૭ બોલમાં ૨૫૭ રન ઝૂડી કાઢ્યા છે.

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર ક્રિસ મોરિસે કહ્યું, ”રસેલની સામે બોલિંગ કરવા માટે મજબૂત જિગર હોવું જોઈએ.” જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કોચ માઇક હેસનનું માનવું છે કે રસેલની વિરુદ્ધ બોલિંગ કરતી વખતે તમે ધાર પર ચાલી રહ્યાં હો છો, તે એક ગેમચેન્જર ખેલાડી છે.

આ ટૂર્નામેન્ટમાં તેનાં પ્રદર્શન બાદ કોમેન્ટ્રેટરોની પાસે રસેલની પ્રશંસા કરવા માટે  વિશેષણો અને શબ્દો પણ ઓછા પડી રહ્યાં છે. RCB વિરુદ્ધ અવિશ્વનીય બેટિંગ બાદ રસેલે કહ્યું હતું કે, ”મને નથી લાગતું કે મારા માટે કોઈ મેદાન મોટું છે. મને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાનાં કેટલાંક મેદાન મોટાં છે, પરંતુ હું બોલને દર્શકોની પાસે મોકલીને ખુદ પણ ચોંકી ગયો હતો.

મને લાગે છે કે મારા માટે કોઈ મેદાન મોટું નથી. મને મારી તાકાત પર વિશ્વાસ છે. મારા બેટની ગતિ પણ ઘણી વધારે છે. હું તેના પર વિશ્વાસ કરુ છું. મને બીજા ખેલાડીઓનો સારો સાથ મળે છે અને હું ફોર્મમાં છું.”

IPLમાં આન્દ્રે રસેલની ધમાકેદાર બેટિંગને જોયા બાદ વિન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ કહ્યું, ”આગામી વિશ્વકપ માટે વિન્ડીઝની ટીમ આવી હોવી જોઈએઃ આન્દ્રે રસેલ અને કોઈ પણ અન્ય ૧૦ ખેલાડી.”

You might also like