૨૦૧૭માં ક્રિકેટની દુનિયામાં એવા રેકોર્ડ બન્યા, જે કદાચ ક્યારેય નહીં તૂટી શકે

દરરોજ ક્રિકેટર્સ આ રમતને નવી ઊંચાઈએ લઈ જવાનું કામ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં ક્રિકેટના મેદાન પર ઘણા રેકોર્ડ સર્જાયા અને ઘણા રેકોર્ડ ધ્વસ્ત પણ થયા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ૨૦૧૭નું વર્ષ ઘણું મહત્ત્વનું રહ્યું. આ વર્ષ દરમિયાન વિરાટે ઘણા રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા, જ્યારે બીજી બાજુ તે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્નનાં બંધનમાં પણ બંધાઈ ગયો. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ મળવાની સાથે તેનું પ્રદર્શન દિવસે ને દિવસે વધુ સારું થતું જાય છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ફાઇનલમાં મળેલા પરાજયને બાદ કરી દેવામાં આવે તો વિરાટની કેપ્ટનશિપમાં વર્ષ ૨૦૧૭ ભારતીય ટીમ માટે શાનદાર રહ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ માટે પણ આ વર્ષ બહુ જ ખાસ રહ્યું છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથ ૯૪૫ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. આ ઉપરાંત આ વર્ષે તેણે કેપ્ટનશિપ સંભાળતા એશીઝ શ્રેણી પણ જીતી લીધી છે. આજે અહીં નજર કરીએ ૨૦૧૭માં સર્જાયેલા એ રેકોર્ડ્સ પર, જે કદાચ ક્યારેય નહીં તૂટી શકેઃ

• ટેસ્ટ મેચમાં રિઝલ્ટઃ અગાઉ મોટા ભાગની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમતી હતી, જ્યારે હવે વધુમાં વધુ ટેસ્ટ મેચનું પરિણામ આવે છે એટલું જ નહીં, ટેસ્ટ મેચનું આ પરિણામ ત્રણ કે પછી ચાર દિવસની રમતમાં જ આવી જાય છે. ૨૦૧૭માં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચમાંથી ૩૯ ટેસ્ટનું પરિણામ આવ્યું છે, જ્યારે માત્ર છ ટેસ્ટ જ ડ્રો રહી. આ કોઈ પણ વર્ષમાં આવનારું સૌથી વધુ ટેસ્ટનું પરિણામ છે. આ પહેલાં વર્ષ ૨૦૦૨માં રમાયેલી ૫૪ ટેસ્ટ મેચમાંથી ૪૬ ટેસ્ટમાં પરિણામ આવ્યું હતું.

• શ્રીલંકાની ટીમે વર્ષમાં સાત કેપ્ટન બદલ્યાઃ એક વર્ષની અંદર સાત કેપ્ટન બદલીને શ્રીલંકાએ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. ઉપુલ થરંગા, એન્જેલો મેથ્યુસ, દિનેશ ચાંદિમલ, થિસારા પરેરા, રંગના હેરાથ, ચામરા કપુગેદેરા અને લસિથ મલિંગા આ વર્ષે શ્રીલંકન ટીમનું નેતૃત્વ સંભાળી ચૂક્યા છે. આ પહેલાં વર્ષ ૨૦૧૧માં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના છ કેપ્ટન બદલાયા હતા.

• એક જ દિવસમાં બે હેટ્રિકઃ ૧૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ આઇપીએલમાં આરસીબી તરફથી રમતા વિન્ડીઝના સ્પિનર સેમ્યુઅલ બદ્રીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે હેટટ્રિક લીધી, જ્યારે એ જ દિવસે સાંજે ગુજરાત લાયન્સના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાઇએ પુણે સામે હેટ્રિક ઝડપતાં એક જ દિવસમાં બે હેટ્રિકનો રેકોર્ડ નોંધાઈ ગયો.

• રોહિત શર્માની બેવડી સદીઃ રોહિત શર્માએ શ્રીલંકા સામે મોહાલી ખાતે રમાયેલી વન ડે મેચમાં પોતાની કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. વન ડે ફોર્મેટમાં ત્રણ સદીનો રેકોર્ડ કદાચ જ કોઈ ખેલાડી તોડી શકશે.

You might also like