ક્રિકેટ રમવું છે? ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિનધાસ્ત પહોંચી જાવ!

અમદાવાદ: અમદાવાદ શહેરના હાઇ સિક્યોરિટી ઝોનમાં આવતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બિલ્ડિંગ ડિપાર્ચર વિભાગની સામે જ રમાતા ક્રિકેટને લઇને ખુદ એરપોર્ટ ઓથોરિટી આંખ આડા કાન કરી રહી છે. રોજના હજારો પ્રવાસીઓ અને રોજબરોજ થતી વીઆઇપી, વીવીઆઇપીની અવરજવરની સુરક્ષાને લઇને ક્રિકેટ માટેના આ મેદાના લીધે પ્રશ્નાર્થ સર્જાયો છે. પાર્કિંગ માટેની જગ્યામાં એરપોર્ટની ટ્રોલીનો સ્ટમ્પ તરીકે ઉપયોગ કરીને ક્રિકેટ રસિયાઓ દિવસે અને રાત્રે મસ્તીથી ક્રિકેટ રમે છે. એરાઈવલ ગેટ નજીક સામે ઊભેલી પોલીસ જીપ અને સુરક્ષાકર્મીઓની નજર સામે જ ખુદ એરપોર્ટના કર્મચારીઓ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

સામાન્ય રીતે એરપોર્ટ હાઇ સિક્યોરિટી ઝોનમાં આવે છે. ટર્મિનલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવી જોઇએ. જેથી ફેરિયાઓ કે અન્ય કોઇ બહારની વ્યક્તિ પ્રવેશી શકે નહીં, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે કે સાંજ પડે પિકનિક પ્લેસ બની જાય છે. આજુબાજુના રહેવાસીઓ એરપોર્ટની લોનમાં ટહેલવા ઉપરાંત પિકનિક મનાવે છે. તો સાથે સાથે ફુગ્ગાવાળા વગેરે તેમની વસ્તુ વેચવા આસપાસ ફરતા રહેવાના કારણે પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા પર ખતરો ઊભો થઇ શકે તેમ છે. એરપોર્ટ પર કાર્ગો, પ્રવાસી અને એરક્રાફટની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે ૬,૪૯,૦૦૦ પ્રવાસીઓની અવરજવર રહી હતી.

એરપોર્ટની સુરક્ષા સંભાળતા સીઆઇએસએફના જવાનોનું સતત પેટ્રોલિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. સવારના ૧૦થી સાંજે પ સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોની અવરજવર ઓછી રહે છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે કડક વલણ અપનાવતી સુરક્ષા એજન્સીને એરાઈવલ ગેટ નજીક જવાના રસ્તે ડાબી બાજુના પાર્કિંગ એરિયામાં બનાવી દેવાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને ત્યાં રમતા ક્રિકેટ વીરો તરફ ધ્યાન નથી કે આંખ આડા કાન કરવામાં આવે છે તે પણ એક પ્રશ્નાર્થ છે. ખુદ એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોએ સ્વીકાર્યું હતું કે દિવસે તો ઠીક રાત્રે પણ ૩ વાગ્યે કે ૪ વાગ્યા સુધી પાર્કિંગનો આ ભાગ ક્રિકેટનું મેદાન બની જાય છે. પોલીસની ઇચ્છા પડે અને ધ્યાન જાય ત્યારે તેમને તગેડી દેવાય છે પણ થોડીવારમાં ફરી ક્રિકેટ ચાલુ થઇ જાય છે.

આ અંગે એરપોર્ટ ડાયરેકટર મેજર ગંગલે જણાવ્યું હતું કે આ ઘણી ગંભીર બાબત છે. આ અંગે લોકલ પોલીસ ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવશે. દિવસે રમાતી ક્રિકેટમાં જો એરપોર્ટ ઓથોરિટીના કર્મીઓ સામેલ હશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખે આ પ્રકારની ગેરરીતિઓ નહીં ચલાવવા માટે તાત્કાલિક પગલાં લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના અણઘડ આયોજનને કારણે ઊંચા દરજજાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દરરોજ ટ્રાફિક જામના અંધાધૂંધીભર્યાં દૃશ્યો સર્જાય છે. રાત્રીના સમયે પ્રવાસીઓને મૂકવા આવતાં સગાં-વહાલાંઓ ટ્રાફિક જામમાં સપડાઇ જતાં ૧ર મિનિટના સમયની અવધિ પૂરી થઇ જતાં ફરજિયાત પાર્કિંગનો રૂ.૮પનો ચાંલ્લો પણ કરવો પડે છે. પાર્કિંગ માટે અલાયદી જગ્યા ફાળવાઇ હોવા છતાં પ્રવાસીનો સામાન વાહનમાંથી ઉતાર્યા પછી પાર્કિંગમાં ગાડી પાર્ક કરવાના બદલે ટર્મિનલના મુખ્ય રસ્તા પર જ બંને તરફ ગાડીઓનું પાર્કિંગ કરાતાં ટ્રાફિક જામ થાય છે. ૧ર-૦૦ વાગ્યા પછી અનેક આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉપડતી હોવાને કારણે પ્રવાસીઓની ભીડ વધે છે છતાં ટ્રાફિક પોલીસ નજરે ચડતી નથી.
http://sambhaavnews.com/

You might also like