ક્રિકેટ પ્રેમીઓમાં બોરિંગ નહીં, રોમાંચક બની છે ટેસ્ટ મેચો

નવી દિલ્હીઃ ભલે કોલકાતામાં અતિ રોમાંચક બનેલી ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હોય, ભલે દુનિયાના બધા બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટને બેસ્ટ ક્રિકેટ માનતા હોય. બધા બેટ્સમેનોનું કહેવું એ જ હોય છે કે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનનો સંપૂર્ણ ટેસ્ટ થઈ જાય છે, તેમ છતાં ટેસ્ટ ક્રિકેટને જોવા માટે એટલા દર્શકો સ્ટેડિયમ સુધી પહોંચતા નથી, જેટલા વન ડે અથવા ટી-૨૦ મેચ જોવા પહોંચે છે. એક બે દેશને બાદ કરતાં જ્યાં પણ ટેસ્ટ રમાય છે ત્યાં સ્ટેડિયમની મોટા ભાગની ખુરશીઓ ખાલીખમ હોય છે. વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા દેશને બાદ કરવામાં આવે તો ટેસ્ટ મેચ દરમિયાન અન્ય કોઈ સ્થળે એટલા દર્શક સ્ટેડિયમમાં હાજર હોતા નથી.

જો વન ડે અને ટી-૨૦ ક્રિકેટની વાત કરવામાં આવે તો સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે, દર્શકો ખૂબ એન્જોય કરે છે. જાણકારો એવું પણ માની રહ્યા છે કે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ દિવસનો સમય લાગે છે અને એટલો સમય કોઈ પાસે આજના જમાનામાં હોતો નથી કે તેઓ પાંચેય દિવસ ટેસ્ટ ક્રિકેટ નિહાળવા સ્ટેડિયમમાં હાજર રહે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ ઘણી ધીમી હોય છે અને મેચનું પરિણામ પણ મોટા ભાગે નથી આવતું. આથી દર્શકો ટેસ્ટ જોવા પહોંચતા નથી.

જોકે ૨૦૧૭ના વર્ષમાં દર્શકોને ટેસ્ટ ક્રિકેટે ઘણી મજેદાર પળો આપી છે. આ વર્ષે રમાયેલી ટેસ્ટ મેચોમાંથી મોટા ભાગનાં પરિણામ આવ્યાં છે. આ પરિણામોએ દર્શકોને ખૂબ આનંદ પણ આપ્યો છે. વર્ષ ૨૦૧૭માં રમાયેલી ટેસ્ટ મેચોએ તો જાણે કે ટેસ્ટ ક્રિકેટને જ બદલી નાખ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૩૭ ટેસ્ટ રમાઈ ગઈ છે, જેમાંથી ૩૩ ટેસ્ટ મેચમાં હાર જીતનું પરિણામ આવ્યું છે. અગાઉ મોટા ભાગની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમતી હતી, જેના કારણે દર્શકોની રુચિ ટેસ્ટ મેચમાંથી ઓછી થઈ રહી હતી, પરંતુ હવે ફરીથી ટેસ્ટ ક્રિકેટને લઈને દર્શકોમાં ક્રેઝ વધી રહ્યો છે. એવું કહેવું પણ ખોટું નહીં હોય કે ટેસ્ટ મેચનાં પરિણામ આવી જ રીતે આવતાં રહેશે તો વધુ ને વધુ દર્શકો સ્ટેડિયમમાં પહોંચશે.

વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં લગભગ ૧૬૮ ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાંથી ૧૪૦ ટેસ્ટ મેચમાં હાર-જીતનાં પરિણામ આવ્યાં હતાં. આ આંકડાને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે ટેસ્ટ ક્રિકેટ ફેરફારના તબક્કામાં છે. આથી દર્શકોમાં ક્રેઝ વધવો એ સમજી શકાય તેવી વાત છે. ટેસ્ટ ક્રિકેટને લઈને આઇસીસીએ પણ આ દરમિયાન ઘણાં પગલાં ભર્યાં છે. ટેસ્ટ મેચને રોમાંચક બનાવવા માટે આઇસીસીએ ડે નાઇટ ટેસ્ટ મેચનું આયોજન પણ શરૂ કરી દીધું છે. આઇસીસી હવે ટેસ્ટ લીગ પણ યોજવાની છે, જેનાથી નિશ્ચિત રીતે દર્શકોનો ક્રેઝ વધી જશે.

You might also like