ક્રિકેટના મેદાનમાં ચિયરલીડર્સના સ્થાને ગરબાની રમઝટ

ગત ૯ નવેમ્બરે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર પ્રથમ વાર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચ રમાતાં સૌરાષ્ટ્ર માટે ઇતિહાસ રચાયો હતો. મેચ માટે પહેલો દડો ફેંકાવાની સાથે એક અન્ય ઇતિહાસ પણ રચાયો હતો. આ મેદાન પર પ્રથમ વાર પાંચ દિવસની આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની સાથે રાજકોટનો સમાવેશ ક્રિકેટના તમામ ફોર્મેટની મેચો રમતાં શહેરમાં થયો છે. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક જુદો જ નજારો જોવા મળ્યો હતો. જેમાં મેચ દરમિયાન ચિયરલીડર્સને બદલે કેડિયંુ-ચોયણી અને ચણિયાચોળી જેવા સૌરાષ્ટ્રના પારંપરિક પોશાકમાં સજ્જ રાસમંડળીના સભ્યો જોવા મળ્યા હતા.

સામાન્ય રીતે આપણી આંખો સ્ટેડિયમમાં ક્રિકેટરોને ને તેમની રમતને જોવા ટેવાયેલી હોય છે, પરંતુ જ્યારે આ ઐતિહાસિક મેચ રમાવાનો આરંભ થયો ત્યારે મેદાન પર રાસ-ગરબાની રમઝટનાંં રંગીલાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વિદેશોમાં ક્રિકેટ મેચ રમાય ત્યારે ચિયરગર્લ્સને ખાસ બોલાવાતી હોય છે. મેદાનમાં જ્યારે ચોગ્ગા-છગ્ગા લાગે કે વિકેટ જાય ત્યારે આ ચિયરગર્લ્સ અલગ પ્રકારના અંદાજમાં નૃત્ય કરી ક્રિકેટપ્રેમીઓને મનોરંજન પૂરું પાડે છે. જોકે રાજકોટમાં ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમેચના આરંભે મેદાન નજીક ખાસ સ્ટેજ બનાવાયું હતું, જ્યાં ચિયરગર્લ્સને બદલે રાસમંડળી તૈયાર કરવામાં આવી હતી. મેચમાં જ્યારે ચોગ્ગા-છગ્ગા લાગે ત્યારે ‘મણિયારો તે હાલો હાલો…’, ‘સનેડો…’ જેવા રાસ-ગરબાના તાલે ખેલૈયાઓ રમઝટ બોલાવતા હતા. વિદેશી મહેમાનો ભલે તે સમજી શકતા નહોતા પરંતુ તેમને સાંભળીને મોજ પડી ગઈ હતી.

You might also like