ક્રિકેટ સટોડિયાઓનો પોલીસ પાર્ટી પર હુમલો થતાં ફાયરિંગઃ પીએસઅાઈને ઈજા

અમદાવાદ: કડી નજીક અાવેલા અાદુંદરા ગામે અાઈપીએલ મેચ પર સટ્ટો રમતા સટોડિયાઓએ પોલીસ દરોડા દરમિયાન પોલીસ પાર્ટી પર સશસ્ત્ર હુમલો કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્ફોટક પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ટોળાએ પોલીસ પર કરેલા હુમલામાં મહિલા પીએસઅાઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે કડી તાલુકાના અાદુંદરા ગામે નગીન ઉર્ફે પાઈલોટ બળદેવભાઈ પટેલ, ચીનુભાઈ પટેલ અને રોનક પટેલ નામના સટોડિયાઓના મકાનમાં અાઈપીએલ ૨૦-૨૦ની મુંબઈ અને પુણે વચ્ચે જીવંત મેચ પર મોટા પાયે સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં મહેસાણા એલસીબી, એસઓજી અને કડી પોલીસે સંયુક્ત દરોડો પાડતાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે દરોડા પાડતાં જ સટોડિયા અને તેમના સાગરીતાેના ટોળાએ પોલીસ પર ધોકા-પાઈપ અને તલવારથી હુમલો કરતાં દોડધામ થઈ ગઈ હતી.

બેકાબૂ બનેલા ટોળાને અંકુશમાં લેવા પોલીસને બે રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સટોડિયાઓએ કરેલા હુમલામાં મહિલા પીએસઅાઈ ટી.એન.વાઘેલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે ૧૫૦ ઈસમના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like