ક્રિકેટ ચાહકોને મળી Valentine Gift: આફ્રિકા પાસેથી નં.1નો તાજ છીનવતી વિરાટ સેના

પોર્ટ એલિઝાબેથઃ ભારતે દક્ષિણ આફ્રિકા સામે છ મેચની શ્રેણીની પાંચમી વન ડે ૭૩ રનથી જીતી લીધી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી છે અને વન ડે રેન્કિંગમાં પણ નંબર વન બની ગઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ટેસ્ટ બાદ હવે વન ડેમાં પણ નંબર વન ટીમ બની ગઈ છે.

વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા હાલ ૪-૧થી આગળ છે. શ્રેણીની શરૂઆત પહેલાં જ એવું કહેવામાં આવ્યું હતું કે ચાર વન ડે જીતતાં જ ટીમ ઇન્ડિયા નંબર વન બની જશે.

વન ડે રેન્કિંગમાં ભારત ૭૪૨૬ પોઇન્ટ્સ અને ૧૨૨ રેટિંગ સાથે નંબર વન ટીમ બની છે. દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને સરકી ગઈ છે. આ જીત બાદ દક્ષિણ આફ્રિકાના ૬૮૩૯ પોઇન્ટ્સ અને ૧૧૬ રેટિંગ થઈ ગયા છે, જ્યારે ઈંગ્લેન્ડ ૧૧૫ રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ભારતે આ શ્રેણીની શરૂઆતની ત્રણેય મેચ જીતી લીધી હતી અને ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રેણીની પાંચમી વન ડે જીતી લઈને ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો. ટેસ્ટમાં વિરાટ સેના ૧૨૧ રેન્ટિંગ પોઇન્ટ સાથે નંબર વનના સ્થાને બિરાજે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે, જેના ૧૧૫ રેન્ટિંગ પોઇન્ટ્સ છે.

ટી-૨૦ ક્રિકેટની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા ત્રીજા નંબર છે. પાકિસ્તાન ૧૨૬ રેટિંગ પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ૧૨૨ પોઇન્ટ્સ સાથે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર છે. ટીમ ઇન્ડિયાના ૧૨૧ રેટિંગ પોઇન્ટ્સ છે. દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી દરમિયાન ભારત પાસે ટી-૨૦ રેન્કિંગ સુધારવાની શાનદાર તક છે.

ભારતે સતત ૯ વન ડે શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો
વિરાટ સેનાએ દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં ૪-૧ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ૨૬ વર્ષમાં પહેલી વાર દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન ડે શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની સાથે સાથે સતત નવમી દ્વિપક્ષી વન ડે શ્રેણી જીતી લઈને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

સતત સૌથી વધુ દ્વિપક્ષી શ્રેણી જીતવાની વાત કરવામાં આવે તો આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે, જેણે મે-૧૯૮૦થી ૧૯૮૮ દરમિયાન સતત ૧૫ શ્રેણી પર કબજો જમાવ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા સતત નવ શ્રેણી જીતીને બીજા સ્થાન પર આવી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (આઠ શ્રેણી) ત્રીજા સ્થાન પર છે. સતત સાત શ્રેણી વિજય સાથે ચોથા સ્થાન પર પાકિસ્તાન છે.

ટીમ ઇન્ડિયાની સતત નવ દ્વિપક્ષી વન ડે શ્રેણીની જીતનો સિલસિલો ૨૦૧૬માં ઝિમ્બાબ્વે સામેની જીતથી શરૂ થયો હતો. ત્યાર બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ (૨૦૧૬), ઈંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા (૨૦૧૭) અને હવે દક્ષિણ આફ્રિકાને હરાવીને આ અનેરી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

You might also like