ક્રિકેટના ‘ડક’ અને ‘બતકનાં ઇંડાં’ વચ્ચેનો સંબંધ તમે જાણો છો?

અમદાવાદઃ ક્રિકેટના ‘ડક’નો સીધો સંબંધ ‘બતકનાં ઇંડાં’ સાથે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે બતક અને ક્રિકેટ વચ્ચે કયો સંબંધ હોઈ શકે… આની પાછળ એક કહાણી છે, તેના પર એક નજર કરીએ. દરેક રમતની જેમ ક્રિકેટની પણ પોતાના શબ્દાવલિ છે. જો તમને ક્રિકેટ પસંદ હોય અને તમે આ રમતનો પૂરેપૂરો આનંદ ઉઠાવવા માગતા હો તો તમારે ક્રિકેટની શબ્દાવલિ સાથે પરિચિત થવું જરૂરી છે. જો તમે આ શબ્દાવલિથી પરિચિત ના હો તો તમે ક્રિકેટ જોઈ તો શકો છો, પરંતુ તેનો સંપૂર્ણ આનંદ ઉઠાવી ના શકો. ક્રિકેટમાં જ્યારે કોઈ બેટ્સમેન શૂન્ય રને આઉટ થઈ જાય છે તેના માટે અંગ્રેજી ભાષાના શબ્દ ‘ડક’નો ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજીમાં ‘ડક’નો અર્થ ‘બતક’ પક્ષી થાય છે. અસલમાં ક્રિકેટના ‘ડક’નો સીધો સંબંધ ‘બતકનાં ઇંડાં’ સાથે છે. તમે વિચારતા હશો કે બતક અને ક્રિકેટ વચ્ચે શો સંબંધ હોઈ શકે? આની પાછળની એક સ્ટોરી અંગે જાણીએ.

ક્રિકેટમાં ‘ડક’ શબ્દની ઉત્પત્તિ ૧૮૬૬માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી દુનિયાની પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ દરમિયાન થઈ હતી. એ મેચ પહેલાં ૧૭ જુલાઈ, ૧૮૬૬ના રોજ રમાયેલી એક બિનસત્તાવાર ક્રિકેટ ટેસ્ટમાં વેલ્સના પ્રિન્સ (એડવર્ડ VII) એક પણ રન બનાવ્યા વિના પહેલા જ બોલે આઉટ થઈ ગયો. આ સમાચારને એક સ્થાનિક અખબારે પ્રકાશિત કર્યા. એ અખબારે શીર્ષક આપ્યું હતું, ‘રાજકુમાર બતકનાં ઇંડાંની સાથે શાહી પેવેલિયન તરફ રવાના થયા’. બતકનું ઈંડું અને શૂન્યનો આકાર એક જેવો જ હોય છે અને એવું માનવામાં આવે છે કે એ ઘટના બાદથી જ ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થવા માટે ‘ડક’નો ઉપમા તરીકે ઉપયોગ થવા લાગ્યો. ત્યાર બાદથી આ શબ્દને ક્રિકેટના સમાચારોમાં સતત ઉપયોગ કરવાનું ચાલુ થયું. ધીરે ધીરે આ શબ્દને અંગ્રેજી ડિક્શનરીમાં સ્થાન મળી ગયું.

ક્રિકેટમાં જ્યારે કોઈ બેટ્સમેન પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થઈ જાય ત્યારે તેને ‘ગોલ્ડન ડક’ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે બેટ્સમેન જો બીજા કે ત્રીજા બોલ પર પોતાનું ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ જાય તો તેને ક્રિકેટની ભાષામાં ‘સિલ્વર ડક’ અને ‘બ્રોન્ઝ ડક’ કહે છે. જો કોઈ બેટ્સમેન એક પણ બોલનો સામનો કર્યા વિના નોનસ્ટ્રાઇકર એન્ડ પર શૂન્ય રને આઉટ થઈ જાય તો તેને ‘ડાયમંડ ડક’ કહે છે. જોકે ક્રિકેટની આ શબ્દાવલિનો પ્રયોગ અલગ અલગ મહાદ્વીપમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઘણા દેશમાં ‘ગોલ્ડન ડક’ને ‘રોયલ ડક’ પણ કહેવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like