આ પાંચ ક્યારેય ક્રિકેટ રમ્યા નથી, પરંતુ કોમેન્ટરી આપે છે લાજવાબ…

મુંબઈઃ ક્રિકેટમાં જેટલું મહત્ત્વ બેટિંગ અને બોલિંગનું હોય છે એટલું જ મહત્ત્વ કોમેન્ટરીનું હોય છે. જો કોમેન્ટરી ના હોય તો મેચમાં જરાય ઉત્સાહ જોવા મળતો નથી. વર્ષ ૧૯૯૮-૯૯માં જ્યારે સચીન તેંડુલકર ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી રહ્યો હતો ત્યારે ટોની ગ્રેગે પોતાની કોમેન્ટરી દ્વારા લોકોનાં દિલ ખુશ કરી દીધાં હતાં. જૂના જમાનામાં રેડિયો પર લોકો ક્રિકેટ કોમેન્ટરી સાંભળતા હતા. એ ચીજ ક્રિકેટ ચાહકોને કલાકો સુધી રેડિયોથી દૂર થવા દેતી નહોતી. સમય બદલાયો અને ક્રિકેટની રમતમાં ઘણા ફેરફાર થયા, પરંતુ કોમેન્ટરીનું સ્થાન આજે પણ એ છે. હવે તો બ્રોડકાસ્ટ કંપનીઓ એવા ક્રિકેટ ખેલાડીઓને જવાબદારી સોંપવા લાગી છે, જેઓ મજેદાર રીતે કોમેન્ટરી કરી શકે છે, જોકે કોમેન્ટરી કરતા ઘણા લોકો એવા પણ છે, જેઓએ ક્યારેય હાથમાં બેટ પણ પકડ્યું નથી કે પછી એકેય બોલ પણ ફેંક્યો નથી એટલે કે તેઓ ક્યારેય ક્રિકેટ રમ્યા નથી તેમ છતાં દાયકાઓથી કોમેન્ટરી કરી રહ્યા છે.

commentator1જિમ મેક્સવેલઃ રિચી બર્નાડ બાદ ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા કોમેન્ટેટર. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન તરફથી વર્ષ ૧૯૭૩થી કોમેન્ટરી કરી રહ્યા છે અને એશીઝ શ્રેણી માટે બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. તેમણે ઈએ સ્પોર્ટ્સ ક્રિકેટ ગેમ્સમાં ૨૦૦૪ અને ૨૦૦૫માં પણ કોમેન્ટરી કરી હતી. મેક્સવેલે ત્રણ પુસ્તક પણ લખ્યાં છે, જેમાં ‘સ્ટમ્પ્સઃ સ્લેજિંગ, સ્લોગિંગ, સ્કેન્ડલ, સક્સેસ’ સામેલ છે. ક્રિકેટ ઉપરાંત તેઓ હોકી, ગોલ્ફ, રગ્બી રમતની પણ કોમેન્ટરી કરે છે. આ સાથે તેમણે ત્રણ ઓલિમ્પિક રમતોત્સવ પણ કવર કર્યા છે.

commentator3સાઇમન માનઃ વર્ષો સુધી બીબીસી માટે કોમેન્ટરી આપનારા સાઇમન માન હાલ બીસીસી રેડિયો માટે કોમેન્ટરી આપે છે. વર્ષ ૧૯૯૬થી લઈને અત્યાર સુધી ઈંગ્લેન્ડના દરેક પ્રવાસ અને વિશ્વકપમાં તેમણે કોમેન્ટરી આપી છે. તેઓ લાઇમલાઇટમાં ત્યારે આવ્યા હતા, જ્યારે વર્ષ ૧૯૯૯ના વિશ્વકપની સેમિફાઇનલમાં તેમણે પીચ પર થયેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ પોતાની કોમેન્ટરી દરમિયાન કર્યો હતો. એ મેચ દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

commentator5નીલ મેનથોર્પઃ નીલ દક્ષિણ આફ્રિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને રેડિયો-૨૦૦૦ માટે કોમેન્ટરી આપે છે અને અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ટીમના ૫૦થી વધુ પ્રવાસ કવર કરી ચૂક્યા છે. તેઓ એક ફ્રીલાન્સ પત્રકાર છે અને પાંચ પુસ્તક પણ લખી ચૂક્યા છે, જેમાં ‘ગ્રીમ સ્મિથ’, “બાઉચ’, ‘ગેરી કર્સ્ટર્ન’ સામેલ છે. નીલ મેનથોર્પ સુપર સ્પોર્ટ્સ માટે પણ એક મશહૂર કોલમ પણ લખે છે. તેમણે વર્ષ ૧૯૯૨માં પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ પત્રકારો માટે એક સ્પોર્ટ્સ એજન્સી શરૂ કરી હતી.

commentator2ટોની કોઝિયરઃ વેસ્ટ ક્રિકેટમાં ટોની કોઝિયર એક જાણીતું નામ છે. તેમણે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે અને ૧૫ વર્ષની ઉંમરે પહેલી મેચ કવર કરી હતી. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં તેમણે રેડિયો કોમેન્ટરી કરી હતી. એ તેમનો પહેલો અનુભવ હતો. તેઓ બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયાલિસ્ટ છે અને ૧૯૬૬થી શરૂ કરીને વિન્ડીઝના દરેક ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેઓ કોમેન્ટરી કરતા રહ્યા. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે, જે ૧૯૭૮માં પ્રકાશિત થયું હતું.

commentator4હર્ષા ભોગલેઃ ભારતીય ક્રિકેટ કોમેન્ટરીની વાત કરવામાં આવે તો સૌથી દમદાર અવાજવાળા હર્ષા ભોગલેનું નામ આવે. હર્ષાએ ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી ફક્ત ૧૯ વર્ષની ઉંમરે કોમેન્ટરી કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં હર્ષા ૪૦૦ આંતરરાષ્ટ્રીય વન ડે, ૧૦૦ ટેસ્ટ મેચમાં કોમેન્ટરી આપી ચૂક્યા છે. તેઓ સીએનએન-આઇબીએન પર ક્રિકેટ એનાલિસ્ટ પણ છે. હર્ષાએ ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે, જેમાંનું એક બેસ્ટ સેલર હતું. તેઓ પોતાની પત્ની અનીતા સાથે એક સ્પોર્ટ્સ કોમ્યુનિકેશન કન્સલ્ટન્સી પણ ચલાવે છે.
http://sambhaavnews.com/

You might also like