ક્રિકેટની રમત પર ‘અલીગઢી તાળું’ લગાવવા BCCI તૈયાર

નવી દિલ્હીઃ લોઢા કમિટી સામે મૂછનો તાવ દઈ રહેલી બીસીસીઆઇ હવે બે ડગલાં આગળ જઈને ભારતીય ક્રિકેટ પર અલીગઢી તાળું લગાવવાની તૈયારી કરી રહી છે. બધું મળીને બીસીસીઆઇ કોઈ પણ કિંમતે ઝૂકવા તૈયાર નથી. નિશ્ચિત રીતે જ આ લડાઈમાં સૌથી વધુ નુકસાન ભારતીય ક્રિકેટને થવાનું છે.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે લોઢા સમિતિની ભલામણોને લઈને સુનાવણી કરી હતી અને તેમાં એમિક્સ ક્યૂરી (ન્યાય મિત્ર)એ બીસીસીઆઇના વહીવટી પ્રમુખોને હટાવવાની સૂચના આપી છે. ત્યાર બાદ બોર્ડના અધિકારીઓના તેવર વધુ તીખાં થઈ ગયાં છે.

બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ કહ્યું કે, ”સુપ્રીમ કોર્ટે અમને કહ્યું છે કે જ્યારે રાજ્ય ક્રિકેટ સંઘો ભલામણોને માનવા માટે તૈયાર નથી તો તેઓને નાણાં ફાળવવાં જોઈએ નહીં. અમે કોર્ટને જણાવ્યું કે ક્રિકેટની ઘરેલુ સિઝન રણજી ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે અને આ સ્થિતિમાં આની અસર રણજી ટ્રોફીની મેચ પર પડશે. જો આમ થયું તો અમારી પાસે ઘરેલુ ક્રિકેટને બંધ કરવા સિવાય અન્ય કોઈ ઉપાય નહીં રહે, કારણ કે અમે બધા રાજ્ય સંઘોને લોઢા સમિતિની ભલામણો સ્વીકારવા દબાણ કરી શકીએ નહીં.”

જ્યારે બોર્ડના આ અધિકારીને પૂછવામાં આવ્યું કે શું આની અસર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શનિવારથી શરૂ થઈ રહેલી ઇન્દોર ટેસ્ટ પર પણ પડશે? ત્યારે તેમણે કહ્યું કે, ”બિલકુલ… જ્યારે ઘરેલુ મેચ જ નહીં રમાય તો અમે ટેસ્ટ મેચનું આયોજન કરીને શું કરીશું?” ઉલ્લેખનીય છે કે રણજી સિઝન ગત ગુરુવારથી શરૂ થઈ ચૂકી છે અને જો આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બીસીસીઆઇની વિરુદ્ધમાં આવશે તો શનિવારથી રણજી ટ્રોફીની મેચ બંધ થઈ જશે. આ ઉપરાંત અંડર-૧૯, અંડર-૧૪, અંડર-૧૬ અને અંડર-૨૩ની સાથે ઘરેલુ મહિલા ક્રિકેટ પણ બંધ થઈ જશે. હાલ દેશમાં ૨૮ રણજી ટીમ છે અને સમગ્ર દેશમાં ૧૨ સ્થળે રણજી મેચ શરૂ થઈ ચૂકી છે.

જ્યારે બોર્ડના એક બીજા અધિકારીએ કહ્યું, ”લોઢા કમિટીએ તમામ હદ પાર કરી દીધી છે. કમિટી દ્વારા સૂચવાયેલા સુધારા ભારતીય ક્રિકેટને ખતમ કરનારા અને બીસીસીઆઇને નષ્ટ કરનારા છે. જે દેશની ટીમ નંબર વન હોય અને જ્યાં ક્રિકેટની રમત જ ઠપ થઈ જાય તો આખી દુનિયામાં ભારતની કેટલી બદનામી થશે. કેન્દ્ર સરકારે ભારતીય ક્રિકેટને બચાવવા આગળ આવવું જોઈએ, નહીંતર બધું તબાહ થઈ જશે. જો કોઈ ચુકાદાને કારણે ભારતમાં ક્રિકેટની રમતને બંધ કરવી પડશે તો કે ટેસ્ટ-વન ડે શ્રેણી રદ કરવી પડશે તો દેશની બહુ જ બદનામી થશે.

You might also like