અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ.૪,૦૦૦ કરોડના કિક્રેટ સટ્ટા બેટિંગમાં સંડોવાયેલા ટોમી પટેલ અને કિરણ માલાના જામીન મીરજાપુર કોર્ટે ફગાવી દીધા છે. ઇન્ટરનેશલ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઇડીએ વિવિધ રાજ્યોમાંથી મોટા ગજાના બુકીઓની ધરપકડ કરી છે.
ક્રિકેટ વર્લ્ડકપ સમયે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બરોડા નજીક સિંકદરપુરના ફાર્મ હાઉસમાં ચાલતાં રૂ.૪,૦૦૦ કરોડનું સટ્ટા બેટિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આ મામલે મુખ્ય સૂત્રધાર ટોમી પટેલ અને કિરણ માલા સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. આ સટ્ટા બેટિંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં દિલ્હીના રિતેશ બંસલ અને અંકુશ બંસલનું નામ ખૂલ્યું હતું. તેઓની પણ ઇડીએ ધરપકડ કરી હતી. બંને ભાઇઓની પૂછપરછ દરમિયાન દેશમાં સૌથી મોટો સટ્ટો રમાડનાર મૂકેશ શર્માનું નામ ખૂલ્યું હતું.
મૂકેશ શર્માનું નામ બહાર આવતાં ઇડીએ તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તે સમયે મૂકેશ આઇપીએલમાં સટ્ટો રમાડતો હતો. દેશનાં વિવિધ સ્થળેથી ઇડીએ મોટા ગજાના બુકીઓની ધરપકડ કરી હતી. જેમાં ઇડીના હાથે સૌથી પહેલા ઝડપાયેલા આરોપી ટોમી પટેલ અને કિરણ માલાએ મીરજાપુર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરી હતી કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળીને ટોમી પટેલ અને કિરણ માલાની જામીન અરજી ફગાવી દીધી હતી.