સચિન બ્લાસ્ટર્સને 3-0થી પરાજય આપ્યો વોર્ન વોરિયર્સે

લોસ એન્જિલ્સ: સચિન તેંડૂલકર અને સૌરવ ગાંગૂલીના શાનદાર અર્ધ શતક છતાં વોર્ન વોરિયર્સે સચિન બ્લાસ્ટર્સ વિરુધ્ધની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ચાર વિકેટ વિજય પ્રાપ્ત કરી ઓલસ્ટાર્સ શ્રેણી 3-0થી જીતી લીધી છે. તેંડૂલકરે 27 બોલમાં બે બાઉન્ડ્રી તેમજ છ સિક્સરની મદદથી 56 રન બનાવ્યા હતા જ્યારે ગાંગૂલીએ 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેના આધારે સચિન બ્લાસ્ટર્સની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 219 રનનો વિશાળો સ્કોર બનાવ્યો હતો. આ બંને ભારતીય દિગ્ગજ ખેલાડી સિવાય જયવર્ધને 18 બોલમાં 41 રન, હૂપરે 22 બોલમાં 33 રન અને સહેવાગે 15 બોલમાં 27 રનનું યોગદાન કર્યું હતું. જ્યારે વોર્ન વોરિયર્સ તરફથી વિટ્ટોરીએ 33 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રેણીની અગાઉની બંને ટી-20 મેચ જીતનાર વોર્ન વોરિયર્સની ટીમ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં આવી ત્યારે શરૂઆતમાં 52 રનમાં ત્રણ વિકેટ ઝડપી પડી ગઇ હતી. ત્યારબાદ સંગાકારાએ 21 બોલમાં 42 રન, પોન્ટિંગે 25 બોલમાં 43 રન અને કાલિસે 23 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ્સ રમી ટીમને વિજય અપાવ્યો હતો.

You might also like