સન ઓફ મધર લખાવાનો યુવાનોમાં ક્રેઝ

સ્ત્રીનાં ઘણાં સ્વરૂપ છે. તેના પર ઘણું બધું લખાયું પણ છે, પરંતુ જ્યારે પણ નામની વાત આવે ત્યારે સંતાન પાછળ પિતાનું નામ જ લખાય છે. ત્યારે માતાનું નામ જાણે ક્યાંય ખોવાઇ જાય છે, પરંતુ થોડા સમય પહેલાં જ જાણીતી ટીવી ચેનલ પર એક નઈ સોચના સ્લોગન સાથે એડ. શરૂ થઇ છે, જે આજના યુવાનોમાં ઘણી ફેવરિટ બની છે. હવે યુવાનો પણ વોટ્સ એપ., ફેસબુક પર પોતાની માતાનું નામ લખતા થયા છે. આજકાલ યુવાનો સન ઓફ મધરના નામ પાછળ ક્રેઝી બન્યા છે.

સદીઓથી સંતાનો પાછળ પિતાનું નામ જ લખાય છે અને તેના વિશે ક્યારેય કોઇ કશું કહેતું નથી ત્યારે આજકાલ યુવાનોએ સન ઓફ મધર બનીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. એક એડ.માં કિક્રેટર ધોનીએ સન ઓફ દેવકી નામનું ટીશર્ટ પહેર્યું હતું ત્યારે કોઇ પત્રકારે પૂછ્યું કે ટીશર્ટ પાછળ તમારી માતાનું નામ કેમ લખ્યું છે? ત્યારે ધોનીએ સુંદર જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી મારા નામની પાછળ મારા પિતાનું નામ લખાતું હતું ત્યારે તો તમે કશું નહોતા પૂછતા તો હવે કેમ પૂછો છો? અને આ જવાબ સાંભળી બધા શાંત થઇ ગયા હતા. આ એડ. જોઈને યુવાનોમાં પણ માતૃપ્રેમ જાગી ઊઠ્યો છે. માત્ર ધોની જ નહીં વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટીશર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઇને આજના યુવાનો પણ ક્રેઝી બન્યા છે.

યુવાનો વોટ્સ એપ. સ્ટેટસમાં પોતાની માતાનું નામ લખે છે જ્યારે ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ પર પોતાની માતાના નામવાળા ફોટા મૂકે છે, ટીશર્ટ પહેરે છે, સન ઓફ મધરના લૉગો લગાવે છે. પોતાના વ્હીકલ પર મોમ ગિફટ લખાવે છે. આ સંદર્ભે વાત કરતાં અર્પિત વસાવાએ કહ્યું કે, ” હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું પરંતુ ક્યારેય એમ વિચાર્યું નહોતું કે સન ઓફ મધરનો લૉગો લગાવું કે મારી પાછળ માતાનું નામ લખું પરંતુ જ્યારે ટીવી પર એક નઈ સોચની એડ. જોઈ ત્યારે એમ લાગ્યું કે મારે પણ મારી માતા માટે કંઇક કરવું જોઇએ. જેથી વોટ્સ એપ. સ્ટેટસમાં સન ઓફ સુશીલા લખ્યું છે.” જ્યારે પાયલ શાહ કહે છે કે, “હું વોટ્સ એપ. પર વારંવાર મમ્મીના ફોટા બદલું છું અને મમ્મીના ફોટાવાળો એક કપ બનાવ્યો છે જે મને સૌથી પ્રિય છે. મારા નામ પાછળ ભલે પિતાનું નામ લખાતું હોય પણ મને ડૉટર ઓફ મધર કહેવડાવું બહુ સારું લાગે છે. હું જ્યાં લખી શકાય ત્યાં મમ્મીનું નામ લખુ છું.”

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તો પહેલેથી જ પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ લખાવે છે. હવે યુવાનોમાં પણ ધીમેધીમે માતાનું નામ લખવાનો અને સન ઓફ મધર તરીકે ઓળખાવાનો શોખ વધતો જાય છે.

હેતલ રાવ

You might also like