યંગસ્ટર્સમાં ડાયરી લખવાનો ક્રેઝ

“નિશા, શું લખી રહી છે?” “કંઈ નહીં, એમ જ… અમસ્તુ.” “ના… ના… કંઇક તો છુપાવે જ છે તું.” “અરે, આ તો દિવસ દરમ્યાન બનેલી વાતો ડાયરીમાં નોંધી રહી છું.” હાલના સંજોગોમાં આવી વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે શું આટલાં બધાં સોશિયલ માધ્યમ હોવા છતાં ડાયરી? પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આજનો યુગ ગમે તેટલી હરણફાળ ભરીને આગળ વધે છતાં પણ યુુવાનોમાં હજુ પણ ડાયરી લખવાનો ક્રેઝ અકબંધ છે.

ડાયરી લખવાના પોતાના શોખ અંગે બી.કોમ.માં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ફોરમ બારોટ કહે છે, “મારી પાસે સ્માર્ટ ફોન છે. હું તેનો ઉપયોગ પણ છૂટથી કરું છું. ફેસબુક, વોટ્સ એપ., ટ્વિટર પર મારા ફોટા અપલોડ કરું છું. સ્ટેટસ બદલું છું. પણ હા, ઘરે જાઉં ત્યારે રાત્રે નિરાતે બેસીને આખા દિવસમાં શું બન્યું, કોને મળી, કૉલેજમાં ઘરમાં બનેલી નાનીમોટી વાતો ડાયરીમાં લખું છું. મારી ડાયરી હંમેશાં મારી પાસે જ રહે છે.”

પ્રતીક દેસાઈ કહે છે કે, “મને આમ તો લખવાનો બહુ જ કંટાળો આવે છે પરંતુ ડાયરી લખવી એ મારો શોખ છે. ૯મા ધોરણમાં હતો ત્યારથી ડાયરી લખું છું. હું રોજ ડાયરી નથી લખતો પણ દર શનિવારે રાત્રે ડાયરી લખું છું. આખા વીક દરમ્યાન શું બન્યું, મહત્ત્વની વાતો, ખાસ કરીને મિત્રો સાથે વીતેલા સમયની યાદો લખું છું. એટલું જ નહીં આ ડાયરી દર રવિવારે વાંચુંય છું.”

શેફાલી કહે છે કે, ડાયરી તો લખવી જ જોઇએ. મોબાઇલ ગમે તેટલો સ્માર્ટ હોય પણ ડાયરીની વાત જ અલગ છે. મોબાઇલ હોય કે સોશિયલ સાઇડ હેક થવાનો ડર રહે છે પણ ડાયરી ક્યારેય હેક થતી નથી. સાથે વીતેલા દિવસની યાદો પણ જીવંત રહે છે.”

અમદાવાદના ગાંધીરોડ પર ગાંધીપુલની નીચે ડાયરી વેચતા ભોપીનભાઇ કહે છે કે, “અમારે ત્યાં દરેક પ્રકારની ડાયરી જેમ કે, પૂઠાંવાળી, સાદા પેજની, જરી કવર, બંધ કવર, લોકવાળી, બટનવાળી અને મલ્ટિકલર પેજની ડાયરી મળે છે. જેમાંથી યુવાનો પોતાની પસંદ મુજબ ડાયરી ખરીદે છે. સૌથી વધુ લોકવાળી ને મલ્ટિકલર પેજવાળી ડાયરી યુવાનો લે છે. જે રૃ. ૭૫થી લઇ રૃ. ૪૫૦ સુધી મળે છે.”

સામાન્ય રીતે યુવાનો ફિલ્મો કે ટીવી સિરિયલોનું અનુકરણ કરતા હોય છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નું મુખ્ય પાત્ર અક્ષરા ડાયરી લખે છે. આ જોઇને ડાયરી લખતી નીતિ અગ્રવાલ કહે છે કે, “જ્યારથી અક્ષરાને ડાયરી લખતાં જોઈ છે ત્યારથી મને પણ શોખ થયો. હું ૭ વર્ષથી ડાયરી લખું છું. મને રોજ ડાયરી લખવાનું નથી ગમતું માટે હું ખાસ પ્રસંગોને આવરીને જ લખું છુ.” કહેવાય છે કે સમય સાથે બધું બદલાય છે પરંતુ ડાયરી લખવાનો ક્રેઝ આજદિન સુધી યુવાનોમાં અકબંધ રહ્યો છે.

હેતલ રાવ

You might also like