જમીન મામલે ભરવાડો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંઃ પિતા-પુત્રની હત્યા

અમદાવાદ, શુક્રવાર
બહુચરાજી નજીક ફીંચડી રોડ પર આવેલી જમીનના કબજા બાબતે ડેડાણા અને હાંસલપુર ગામના બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધીંગાણામાં ગંભીર પણે ઘવાયેલા પિતા-પુત્રનાં ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બહુચરાજી નજીક ફીંચડી જવાના માર્ગ પર આવેલી બોખલા કૂવાવાળી જમીનનાં મામલે હાંસલપુરના કાનજી ધૂળા ભરવાડ અને ડેડાણાના મણાભાઇ હરજી ભરવાડ વચ્ચે છેલ્લા કેટલાક વખતથી મનદુઃખ ચાલતું હતું. આ જમીનનો કબજો લેવા માટે બંને જૂથો દ્વારા અવારનવાર પ્રયાસો કરવામાં આવતા હતા.

ગઇકાલે સવારે ૧૦ વાગ્યાના સુમારે ઉપરોક્ત વિવાદાસ્પદ જમીનનો કબજો લેવા માટે બંને જૂથો જગ્યા પર આવ્યા હતા ત્યારે બોલાચાલી બાદ બંને જૂથો વચ્ચે લાકડી, ધારિયા અને અન્ય હથિયારોથી એકબીજા પર હુમલો કરતા દોડધામ મચી ગઇ હતી.

આ સશસ્ત્ર ધીંગાણામાં ઘવાયેલા હાંસલપુરના પૂર્વ સરપંચ કાનજીભાઇ ભરવાડ અને તેના પુત્ર રમેશભાઇનું ગંભીર ઇજાથી મોત થયું હતું જ્યારે મફાભાઇ ભરવાડ, રામાભાઇ ભરવાડ, માતમ ભરવાડને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ ત્રણેયની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઇ વિવાદાસ્પદ જમીનની આજુબાજુ પોલીસનો કડક જાપ્તો ગોઠવી દઇ સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. બહુચરાજી પોલીસે આ અંગે જુદી જુદી કલમો હેઠળ ૧પ શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like