બેફામ બનેલા ક્રેન ચાલકે વાહનોને અડફેટે લેતાં રાહદારીનું મોત

અમદાવાદ: શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં થલતેજ રોડ પર દૂરદર્શન ટાવર નજીક મંગળવારે રાત્રે બેફામ બનેલાં એક ક્રેન ચાલકે રોડ ક્રોસ કરતા એક રાહદારીને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. આટલું જ નહીં ક્રેન ચાલકે આસપાસમાં પાર્ક કરેલા ચારથી પાંચ ટુ વ્હીલર અને ફોર વ્હીલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માત બાદ ક્રેન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘાટલોડિયા જનતાનગર રેલવે ક્રોસિંગ પાસે વિષ્ણુ રબારીનાં મકાનમાં મૂળ નેપાળનો વતની નંદુ પુનિમ ગડેરી (ઉ.વ.૨૭) રહે છે. તેની સાથે મીઠ્ઠુ બિલ્ટુ રાઉત (ઉ.વ.૨૦, મૂળ. નેપાળ) રહેતો હતો. નંદુ વસ્ત્રાપુર ખાતે ઈંડાની લારી ધરાવે છે. મંગળવારે રાત્રે નંદુ અને મીઠ્ઠુ થલતેજ રોડ પર આવેલા દૂરદર્શન ટાવર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે દરમ્યાનમાં એક ક્રેન ચાલક સાલ હૉસ્પિટલ તરફથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને મીઠ્ઠુને ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં મીઠ્ઠુ નીચે પટકાયો હતો અને તેના શરીરનાં તથા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. બેફામ રીતે આવેલા આ ક્રેન ચાલકે આસપાસમાં પાર્ક કરેલાં ટુ-વ્હીલરો અને ફોર વ્હીલરોને પણ અડફેટે લઈ અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માત બાદ ક્રેન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ટ્રાફિક ‘એ’ ડિવિઝન પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like