લાખો રૂપિયાના ફટાકડાનું ગેરકાયદે વેચાણ પણ પોલીસને ૩૦૦ રૂપિયાના જ ફટાકડા મળ્યા!

અમદાવાદ: દિવાળીનો તહેવાર આવતાંની સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી વિદેશી ફટાકડાના વેચાણ અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ફટકડાનું વેચાણ ન કરવું તેવાં જાહેરનામાં બહાર પાડવામાં આવે છે અને અનેક જગ્યાએ ખુલ્લેઆમ વગર લાઈસન્સની ફટાકડાની હાટડીઓ ચાલે છે. પોલીસ સ્ટેશનમાં માત્ર કેસ બતાવવા પોલીસ નાની ગરીબ વ્યક્તિઓ સામે રૂ.૫૦૦ના ફટાકડાના ગેરકાયદે અને જિંદગી જોખમાય તેવા વેચાણ બદલ કેસ કરી દે છે. આવો જ એક બનાવ રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. રાણીપ વિસ્તારમાં અનેક જગ્યાએ વગર લાઈસન્સે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ફટાકડાનું વેચાણ થાય છે છતાં કામગીરી બતાવવા ગરીબ મહિલા પર ૩૦૦ રૂપિયાના ફટાકડા રાખી લોકોની જિંદગી જોખમાય તેનો કેસ કર્યો છે.

રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. બી. પટેલની સૂચનાના આધારે પોલીસકર્મીઓ ફટાકડાનું વેચાણ કરતા લોકો પર કેસ કરવા ગયા હતા. પોલીસે કેસ બતાવવા માટે રાણીપ શાકમાર્કેટની બાજુમાં આવેલી રાણીપ સ્ટેટ બેન્ક સામે રોડ પરથી ‌િમર્ચી બોમ્બનું એક પેકેટ, પપપ બોમ્બનું એક પેકેટ અને અન્ય ફટાકડા મળી રૂ. ૩૦૦ના વગર પાસ પર‌િમટે જિંદગી જોખમાય તેવા વેચાણ બદલ રાણીપના પ્રેમનગરના છાપરામાં રહેતી કંકુબહેન નામની મહિલા સામે કેસ કર્યો હતો. નજીકમાં આવેલી શાકમાર્કેટ અને અન્ય જગ્યાએ વગર લાઇસન્સે જાહેરમાં લોકોની જિંદગી જોખમાય તેવી રીતે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ પોલીસ માત્ર દેખાડો કરવા જ આવા ૨૦૦-૫૦૦ના કેસ ગરીબ લોકો પર કરી કામગીરી બતાવે છે.

માત્ર રાણીપ જ નહીં, શહેરના અનેક વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ લોકોની જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનું વેચાણ થાય છે, પરંતુ પોલીસ ખરેખર ચેક કરવાની જગ્યાએ માત્ર દેખાડા માટે કેસ કરી સંતોષ માની લે છે. જો આવી જાહેર જગ્યામાં જ્યાં ભીડ વધુ હોય ત્યાં ફટાકડાના લીધે આગ લાગે અને જાનહા‌િન થાય તો તેના જવાબદાર કોણ?

You might also like