હવે પાસવાનના પણ બગાવતી સૂર: NDAમાં તિરાડ, LJPની સ્પષ્ટ નારાજગી

પટણા: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષોમાં અસંતોષ અને નારાજગીનો વધુ એક સંકેત મળી રહ્યો છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના ઉપેન્દ્ર કુશવાહાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ હવે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના બળવાખોર સૂરના કારણે મુશ્કેલીઓ વધી રહી છે.

એલજેપીના નેતા ચિરાગ પાસવાને ‌િટ્વટર પર તેમની નારાજગી અને અસંતોષ વ્યક્ત કરતાં ખળભળાટ મચી ગયો છે. ચિરાગ પાસવાનનું સ્પષ્ટ કહેવું છે કે બિહારમાં એનડીએ ગઠબંધન હવે બહુ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) અને આરએલએસપીએ એનડીએ ગઠબંધન છોડ્યા બાદ હવે કંઈ ઠીક લાગતું નથી.

યુવા નેતા ચિરાગ પાસવાને તેમની ‌િટ્વટમાં જણાવ્યું કે ટીડીપી અને આરએસએસપી એનડીએમાંથી છૂટા પડ્યા ત્યારબાદ ગઠબંધન બહુ નાજુક મોડમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં ભાજપ ગઠબંધનમાં બાકી રહેલા સાથીઓની ચિંતાઓને યોગ્ય સમયે સન્માનપૂર્વક દૂર કરે.

આ ચોંકાવનારા ‌િટ્વટ બાદ ચિરાગ પાસવાને એક બીજું ‌િટ્વટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે ગઠબંધનની બેઠકો અંગે ઘણી વખત ભાજપના નેતાઓ સાથે મુલાકાત થઈ, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ વાત આગળ વધી શકી નથી. આવા મુદ્દે યોગ્ય સમયે નિર્ણય ન લેવાય તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપ, એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપી સાથે મળીને લડ્યા હતા. એલજેપી કુલ સાત બેઠક પર ચૂંટણી લડી હતી અને તેમાંથી તેને છ બેઠક પર જીત મળી હતી. બીજી તરફ આરએલએસપી ત્રણ સીટ પર ચૂંટણી લડી હતી અને તમામ ત્રણ સીટ જીતવામાં સફળ રહી હતી. આ વખતે બેઠકોની વહેંચણીના મુદ્દે ભારે નારાજ થયેલા ઉપેન્દ્ર કુશવાહાએ આખરે એનડીએનો સાથ છોડવાનો નિર્ણય લીધો હતો.

રાજકીય વિશ્લેષકોના મતે આવા સંજોગોમાં જો હવે રામવિલાસ પાસવાનની આગેવાનીવાળી એલજેપી પણ એનડીએ ગઠબંધન છોડવાનો ફેંસલો કરે તો ભાજપની મુશ્કેલી ખૂબ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ પાસવાન બિહારમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલાથી ખૂબ નારાજ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે બિહારના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આગામી એક મહિનાની અંદર બિહારની બેઠકોની વહેંચણીનું બધું ફાઈનલ થઈ જશે. ત્યારબાદ જ્યારે નીતીશકુમાર અને અમિત શાહની દિલ્હીમાં મુલાકાત થઈ ત્યારે જણાવાયું હતું કે બે-ત્રણ દિવસની અંદર બેઠકોની ફોર્મ્યુલા નક્કી થઈ જશે. આખરે ૧૦ સપ્ટેમ્બરે ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને એનડીએને અલવિદા કહી દીધું હતું.

You might also like