જિનપિંગ ૨૦૨૨ સુધી ચીનના પ્રમુખ રહેશેઃ સીપીસીની મંજૂરી

બીજિંગ: ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ શી જિનપિંગના પાંચ વર્ષના બીજા કાર્યકાળને આજે મંજૂરી આપી દીધી છે અને એવા કેટલાય નેતાઓની પણ નિમણૂક કરી છે, જેમને શી જિનપિંગનું સમર્થન છે. ૬૪ વર્ષના શી જિનપિંગના બીજા કાર્યકાળને પક્ષે સપ્તાહ સુધી ચાલેલા કોંગ્રેસના સમાપન બાદ મંજૂરી આપી છે. કોંગ્રેસનું આ સંમેલન પાંચ વર્ષમાં એક વાર યોજાય છે.

આ સંમેલનમાં ૨૩૫૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંમેલન ગ્રેટ હોલ ઓફ પીપલમાં યોજાયું હતું, જેને ચીનના કોમ્યુનિસ્ટ નેતૃત્વનું સત્તા કેન્દ્ર માનવામાં આવે છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના પદક્રમમાં શી જિનપિંગ અને વડા પ્રધાન લી ક્વિંગ (ઉં.વ. ૬૨) અનુક્રમે પ્રથમ અને બીજા નંબર પર છે.

બંને પાંચ-પાંચ વર્ષના બે કાર્યકાળના આધારે ટોચના નેતૃત્વ પર બની રહેશે. દેશ પર શાસન કરનાર પાર્ટીની સાત સભ્યની સ્ટેન્ડિંગ કમિટી માટે પાંચ નવા સભ્યો ચૂંટવામાં આવશે. શી જિનપિંગ અને લી ક્વિંગે વર્ષ-૨૦૧૨માં સત્તા સંભાળી હતી અને હવે બંને નેતાઓ ૨૦૨૨ સુધી સત્તારૂઢ રહેશે. નવી સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત બુધવારે કરવામાં આવશે, જ્યારે ચૂંટાયેલા તમામ નેતાઓ સીધા પ્રસારણ દરમિયાન મીડિયા સમક્ષ વિધિવત રીતે હાજર થશે.

હોંગકોંગ મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે કે કોંગ્રેસમાં પણ શી જિનપિંગનો માર્ગ સરળ કદાચ નહીં રહે, કારણ કે ભ્રષ્ટાચાર વિરોધી વ્યાપક અભિયાનનું નેતૃત્વ કરનાર શી જિનપિંગના નિકટના મદદનીશ વાંગ ક્વિશાન સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપશે એવી શક્યતા છે. જોકે આ અટકળો પર હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું લાગે છે, કારણ કે તેમના માટે ૬૮ વર્ષે સેવા નિવૃત્તિ સંબંધિત નિયમોની ઉપેક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સંખ્યા સાત રાખી શકે છે. એવું માનવામાં આવે છે કે શી જિનપિંગ આ સભ્યોની સંખ્યા ઘટાડીને પાંચની કરવાની તરફેણમાં છે.

You might also like