મહિલાઓની જેમ હવે ગાય પણ સરોગેટ મધર બની શકશે

ધનબાદ: હવે આગામી દિવસોમાં સામાન્ય મહિલાઓની જેમ ગાય પણ સરોગેટ મધર બની શકશે. અેમ્બ્રિઅો ટ્રાન્સફર ટેક્નોલોજી (ભ્રૂણ ફેરફાર વિધિ)ના માધ્યમથી આવી બાબત શક્ય બની શકશે. આ વિધિથી ગાયમાં તૈયાર ભ્રૂણને બીજી ગાય પાળશે અને તે તેની સરોગેટ મધર કહેવાશે. આવી વિધિ દ્વારા ડેરી ફાર્મ હવે ઓછા સમયમાં જ સારી જાતની ગાય મેળવી શકશે. આમાં સૌથી ખાસ વાત એ છે કે હવે સારી જાતની ગાયથી વર્ષભરમાં ૬૦ થી ૭૦ સારી જાતની ગાયનાં બચ્ચાં મેળવી શકાશે.

દરમિયાન આ વિધિ જાત સુધારવામાં કારગત સાબિત થશે અને તેના માધ્યમથી ખરાબ અથવા ઓછું દૂધ આપનારી ગાયનો ઉપયોગ કરી આપણે સારી જાતની ગાયની નવી પેઢી તૈયાર કરી શકીશું. થોડા સમય પહેલાં આ વિધિનો ઉપયોગ માત્ર વિદેશમાં જ શક્ય હતો, પરંતુ બાદમાં હરિયાણા અને પંજાબના પશુ વૈજ્ઞાનિકોએ તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરી તેને ડેરીફાર્મ માટે ઉપયોગી સાબિત કરી દીધી છે. હવે આ ટેકનિકનો ઉપયોગ પશુ વૈજ્ઞાનિકોના સંરક્ષણમાં લોકો આસાનીથી કરી શકે છે. આ માટે સારી જાતની ગાયની પસંદગી કરવામાં આવે છે અને તેમાં અેક હોર્મોન ઈન્જેક્શન દ્વારા ગાયની પ્રજનનક્ષમતાને વધારી ગર્ભાધાન દ્વારા ભ્રૂણ વિક‌િસત કરાવવામાં આવે છે. આ તૈયાર ભ્રૂણને પરખનલી દ્વારા સાત દિવસ બાદ બહાર કાઢવામાં આવે છે. અને બાદમાં તૈયાર ભ્રૂણને આઠથી દસ ગાયના ભ્રૂણમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે, જેમાં સારી જાતની ગાય બે માસ બાદ ફરી આ વિધિના ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે ત્યારે આવામાં વર્ષભરમાં અેક ગાયથી ૬૦ થી ૭૦ બચ્ચાં તૈયાર કરી શકાય છે.

You might also like