ગૌભક્તનો અાપઘાતઃ અમદાવાદમાં બંધની અસર નહીં

અમદાવાદ: ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ગઇ કાલે મોટી સંખ્યામાં ગૌભક્તો રાજકોટ કલેકટર કચેરી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં આઠ જેટલા ગૌભક્તોએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલમાં બે લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આજે ગુજરાત બંધનું ગૌરક્ષકોએ એલાન આપ્યું છે, પરંતુ આ ગુજરાત બંધની અમદાવાદમાં કોઇ અસર જોવા મળી રહી નથી. સવારથી જ રાબેતા મુજબ શહેરમાં દુકાનો અને બજારો ખુલ્લાં જોવા મળ્યાં હતાં. લોકોમાં ગુજરાત બંધની કોઇ અસર જોવા મળી નહોતી.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં બંધને આંશિક સફળતા મળી રહી છે. જસદણના ગભરુ લાબરિયાનું મોત થતાં જસદણ અને ગોંડલ સ્વયંભૂ આ જ સવારથી જ બંધ રહ્યાં હતાં. રાજકોટમાં પણ બજારો બંધ કરાવવા ગૌભક્તો નીકળ્યા હતા. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ગામેગામથી ગૌભક્તો, સંતો અને કાર્યકરો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલ બહાર બેસીને રામધૂન શરૂ કરી હતી.

ગૌરક્ષા સમિતિ દ્વારા સરકાર જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ગુજરાત બંધના એલાનને પગલે પોલીસને એલર્ટ રહેવા અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર ગહેલોતે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમજ ચાર એસઆરપીની ટુકડી, ૮૦૦ પોલીસ જવાનો, પ૦ વીડિયોગ્રાફરને તહેનાત કરવામાં આવ્યાં છે. ગૌમાતા સમિતિ દ્વારા અપાયેલા એલાનને માત્ર સૌરાષ્ટ્રમાં જ આંશિક સફળતા મળી રહી છે. બાકીનાં શહેરોમાં બંધની કોઇ સફળતા જોવા મળી નથી.

ઝેર પીનાર બે ગૌભક્તની હાલત હજુ પણ ગંભીર
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની માગને ગઇ કાલે રાજકોટ કલેકટર ઓફિસ બહાર આઠ લોકોએ કપાસમાં નાખવાની દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાં ગભરુ લાબ‌િરયા (રહે. જસદણ)નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.)

You might also like