પેસેન્જર સાથે ગેરવર્તન બદલ ઈન્ડિગો અેરલાઈન્સના ત્રણ કર્મચારીને કોર્ટનો સમન્સ

અમદાવાદ:
ઘટના – ૧ : દેશની ટોચની બેડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ સાથે ઈન્ડિગો અેરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાના સમાચાર સામે અાવ્યા. હૈદરાબાદ-મુંબઈની ઈન્ડિગો ફ્લાઈટમાં જઈ રહેલી પી. વી. સિંધુ સાથે તેમની બેડમિન્ટન કિટના મુદ્દે ઈન્ડિગો અેરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફે તોછડાઈથી વાત કરી હતી. તોછડું વર્તન કરનાર સ્ટાફને અન્ય મહિલા સ્ટાફરે વ્યવસ્થિત વાત કરવા સમજાવતાં તેની સાથે પણ તે ગ્રાઉન્ડ સ્ટાફરે તોછડું વર્તન કર્યું. અા અંગે પી. વી. સિંધુઅે ટ્વિટ કરતાં સમગ્ર મામલો સામે અાવ્યો.

ઘટના – ૨ : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ અેરપોર્ટ પર પ૦થી વધુ વયના અેક પેસેન્જર સાથે ઈન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફે મારામારી અને ગાળાગાળી કરી હોવાનો વી‌િડયો વાઇરલ થયો. અા વીડિયોમાં શટલ બસ પકડવા માટે પેસેન્જર ઈન્ડિગો અેરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે દલીલ કરી રહ્યા હતા અને સ્ટાફર્સે તેમને રીતસર હાથ ખેંચીને બસથી દૂર કરવાની સાથે-સાથે વધુ અેક ગ્રાઉન્ડ સ્ટાફે પેસેન્જરને પાછળથી પકડી રાખ્યા હતા. ગુસ્સે ભરાયેલા પેસેન્જરે વળતો વાર કરતાં તેમને જમીન પર પછાડી દઈ ત્રણ જેટલા ગ્રાઉન્ડ સ્ટાફર પેસેન્જર પર હાવી થઈ ગયા હતા. અા ઘટનાના વી‌િડયો બાદ ઈન્ડિગોના પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર અાદિત્ય ઘોષે પેસેન્જરની માફી માગવી પડી.

આ બંને ઘટના પરથી સાબિત થાય છે કે ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફર્સમાં પેસેન્જર્સ સાથે સભ્યતાથી વર્તન કરવાની ટ્રેનિંગનો અભાવ છે. કોઈ અેકાદ ઘટના હોય તો તેની સામે અાંખ અાડા કાન પણ કરી શકાય, પરંતુ છેલ્લા ચાર દિવસમાં ઈન્ડિગો અેરલાઈન્સ વિરુદ્ધ અા બીજી ઘટના સામે અાવી અને હવે વધુ અેક શરમજનક ઘટના અમદાવાદમાં સામે અાવી છે, જેમાં ઈન્ડિગો અેરલાઈન્સના પેસેન્જર્સ સાથે ગ્રાઉન્ડ સ્ટાફે ગેરવર્તન કરતાં અા અંગે નોંધાયેલી ફરિયાદના અાધારે અમદાવાદ મેટ્રો કોર્ટે ઈન્ડિગો અેરલાઈન્સના ત્રણ કર્મચારીઅોને સમન્સ ફટકાર્યા છે.

પેસેન્જર્સ સાથે ગેરવર્તન કરવાના મુદ્દે વગોવાયેલી ઈન્ડિગો અેરલાઈન્સ સામે મુસાફરોમાં રોષ અને ફરિયાદ બંને વધી રહ્યાં છે. મેટ્રો કોર્ટે જે સમન્સ ફટકાર્યા છે તેમાં અમદાવાદ અેરપોર્ટ ખાતે દોઢ વર્ષ પહેલાં બનેલી ઘટના જવાબદાર છે. દોઢ વર્ષ પહેલાં પણ ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફર્સે અમદાવાદ અેરપોર્ટ પર અા જ પ્રકારે પેસેન્જર્સ સાથે ગેરવર્તન કર્યું હતું. સમગ્ર ઘટનાની વિગત અેવી છે કે અમદાવાદના  પાલડી વિસ્તારમાં રહેલા કપિલ મોદીઅે રપ જાન્યુઅારી, ર૦૧૬ના રોજ અમદાવાદથી મુંબઈ માટે ઈન્ડિગો અેરલાઈન્સની ફ્લાઈટ બુક કરાવી હતી. કપિલ મોદીઅે તેમનાં પત્ની અવની અને પુત્ર અાશિલ અેમ ત્રણ માટે ટિકિટ બુક કરાવી હતી. તેઅો બે કલાક પહેલાં જ અેરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને ચેક ઈન પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. ચેક ઈન પહેલાં સિક્યોરિટી ચેકિંગ વખતે તેમને સમસ્યા સર્જાઈ. કપિલ મોદી અને તેમના પુત્રને ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફે અટકાવ્યા.

અાશિલને કહેવાયું કે તેની પાસે રહેલી બેગ કેબિનમાં જઈ શકે તેમ નથી, જાેકે અાશિલે જણાવ્યું કે તે વારંવાર અા બેગ સાથે જ સફર કરે છે અને બેગ યોગ્ય વજનની છે. તેથી તેને અાગળ જવા દેવાયો, પરંતુ અાગળ અેક્સ-રે મશીનની લાઈનમાં ઊભા રહેલા અાશિલને ઈન્ડિગો અેરલાઈન્સના અન્ય અેક સ્ટાફરે રીતસર લાઈનમાંથી હાથ ખેંચીને બહાર કાઢ્યો. તેના હાથમાંથી બેગ ઝૂંટવી લઈને તેને ગેઇજમાં વજન માટે મૂકી. વજન અને સાઈઝ નિયમ મુજબનાં જ નીકળ્યાં તેમ છતાં અાશિલને તેની બેગ પરત ન અપાઈ. દરમિયાન અાશિલે અા સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ તેના વિડીયોમાં કર્યું, જે ઈન્ડિગોના સ્ટાફરના ધ્યાને અાવતાં તેણે વિડીયો તેમજ અાશિલનો મોબાઈલ ઝૂંટવી લીધો અને સમગ્ર મોદી પરિવારને ડિબોર્ડ કરી દેવા સૂચના અાપી દીધી. અા રકઝકના પગલે સીઅાઈઅેસએફના કમાન્ડન્ટ પણ અેરપોર્ટ પર દોડી અાવ્યા અને અેરપોર્ટ મેનેજરને પણ મોદી પરિવારે રજૂઅાત કરી, જાેકે અા રજૂઅાતોનું કોઈ પરિણામ અાવ્યું નહીં.

વાસ્તવમાં ઈન્ડિગો અેરલાઈન્સનો નિયમ અેવો છે કે કોઈ પેસેન્જરને ડિબોર્ડ કરાય કે તરત જ તે અંગે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને જાણ કરી દેવાય છે, જેના પગલે સરદારનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી અાવી હતી, જાેકે સીઅાઈઅેસઅેફના કમાન્ડન્ટ અને અેરપોર્ટ મેનેજરે મોદી પરિવાર સાચો હોવાનું કહી ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફર્સને તેમને ડિબોર્ડ નહીં કરવા જણાવ્યું, પરંતુ પેસેન્જર્સને ડિબોર્ડ કરવા અંગે હેડ અોફિસને જાણ કરી દેવાઈ હોવાનું ઈન્ડિગોના સ્ટાફર્સે જણાવી દઈ તેમને ફરીથી બોર્ડ કરવા દીધા ન હતા. કપિલ મોદીઅે મેટ્રો કોર્ટને જણાવ્યું કે જ્યારે અમે સરદારનગર પોલીસ સ્ટેશન ગયાં ત્યારે ઈન્ડિગો અેરલાઈન્સના ચીફ સિક્યોરિટી અોફિસર મિસ્ત્રી પણ ત્યાં હતા, પરંતુ તેમણે પણ દિલ્હી હેડ અોફિસને જાણ કરી દીધી હોવાનું જણાવી દઈને પૂરતો સમય હોવા છતાં અમને બોર્ડ થવા દીધા ન હતાં.

“ઈન્ડિગો અેરલાઈન્સ તેમજ અન્ય અેરલાઈન્સમાં પણ અમે ફ્રીક્વન્ટલી પ્રવાસ કરતાં હોવાથી અમે બેગેજ અને વજન અંગે સારી રીતે વાકેફ છીઅે તેમ છતાં ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફરે મારી સાથે ગેરવર્તન કરી મને લાઈનમાંથી બહાર ખેંચીને અપશબ્દો પણ કહ્યા. અા ઘટના બાદ હું મોટા ભાગે ઈન્ડિગો અેરલાઈન્સ સિવાયની જ ફ્લાઈટમાં પ્રવાસ કરું છું.”
– અાશિલ મોદી, ભોગ બનનાર પેસેન્જર

“ઈન્ડિગો અેરલાઈન્સના સ્ટાફે જાહેરમાં અેરપોર્ટ પર અમારી સાથે જે પ્રકારે અસભ્ય વર્તન કર્યું તેમજ અમને અપમાનિત કર્યાં તે મુદ્દે અાગામી દિવસોમાં વધુ અેક અરજી કરવા વિચારણા કરી રહ્યાં છે. અમે ઈન્ડિગો અેરલાઈન્સ પર માનહાનિનો દાવો કરવા ઉપરાંત અમને જે માનસિક ત્રાસ વેઠવો પડ્યો તે મુદ્દે તેમજ અાર્થિક નુકસાનીના મુદ્દે વળતરનો દાવો માંડવા પણ વિચારી રહ્યાં છીઅે.”
– કપિલ મોદી, ભોગ બનનાર પેસેન્જર

“ઈન્ડિગો અેરલાઈન્સ અને મારા અસીલ વચ્ચેની સમસ્યાના મુદ્દે સરદારનગર પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી લેવાયેલી અને તે અરજી બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં અા અંગે મોદી પરિવારે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં હાઈકોર્ટમાં પણ અરજી કરાઈ હતી, અંતે મેટ્રો કોર્ટે ઈન્ડિગો અેરલાઈન્સના ત્રણ કર્મચારીઅોને સમન્સ ફટકાર્યા છે.”
– સંજય રાવલ, ફરિયાદીના વકીલ

સરદારનગર પોલીસે રિપોર્ટમાં શું કહ્યું?
અા‌િશલ મોદી અને તેમના પરિવારને જ્યારે ઈન્ડિગો અેરલાઈન્સ સાથે સમસ્યા સર્જાઈ ત્યારે તરત જ તેઅો સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અે સમયે ઈન્ડિગો અેરલાઈન્સના અધિકારીઅો પણ સરદારનગર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને તેમને અન્ય ફ્લાઈટમાં વ્યવસ્થા કરી અાપવાની ખાતરી અાપતાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું, જાેકે બાદમાં ઈન્ડિગોના અધિકારીઅો ફરી ગયા હતા અને મોદી પરિવારને અન્ય ફ્લાઈટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી અાપી ન હતી. બાદમાં આશિલ મોદીઅે મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અા ફરિયાદના પગલે મેટ્રો કોર્ટે સરદારનગર પોલીસને તપાસનો અાદેશ કરતાં પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે ફરિયાદી અને અારોપી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી હવે અા કેસમાં તપાસની જરૂર નથી. બાદમાં મોદી પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં અેરપોર્ટ પર જે દિવસે અા ઘટના બની તે દિવસના સીસીટીવી ફૂટેજ પ્રિઝર્વ કરવામાં અાવે તેવી માગણી કરાઈ હતી, જેના પગલે સીઅાઈઅેસઅેફએ તે સીસીટીવી ફૂટેજ કોર્ટને અાપ્યા હતા. અા ફૂટેજ જાેયા બાદ હાઈકોર્ટે તે ફૂટેજ પ્રિઝર્વ કરવા સરદારનગર પોલીસને અાદેશ કર્યો હતો. અાદેશના પગલે સરદારનગર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ મેટ્રો કોર્ટને રિપોર્ટ રજૂ કર્યો હતો. ફરિયાદીઅે જે ઘટના જણાવી છે તે સાચી સાબિત થતી હોવાનું રિપોર્ટમાં જણાવાતાં મેટ્રો કોર્ટે ઈન્ડિગો અેરલાઈન્સના ત્રણ કર્મચારીઅો સામે સમન્સ કાઢ્યા છે.

સોનલ અનડકટ

You might also like