કોર્ટ કાર્યવાહીમાં ભાગ નહીં લઈઅે લઠ્ઠાકાંડના અારોપીઅોનો જેલમાં ડ્રામા

અમદાવાદ: વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ૩૫ જેટલા આરોપીઓએ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થવાનો ઇન્કાર કરતાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેલ સત્તાધીશોઅે ભારે સમજાવટ બાદ આરોપીઓને કોર્ટમાં હાજર થવા માટે મનાવ્યા હતા. એક કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આરોપીઓ અંતે કોર્ટમાં હાજર થયા હતા.

૭ જુલાઇ ૨૦૦૯ના રોજ અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. ઝેરી દારૂ પીવાને કારણે ઓઢવ વિસ્તારમાં ૧૨૪ અને મજૂરગામમાં ૨૩ વ્યકિત મળીને કુલ ૧૪૭નાં મોત થયાં હતાં. જયારે ૧૭૫ લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જે પૈકી ૪૦ જેટલા લોકોની દૃષ્ટિ પણ જતી રહી હતી. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાચે બંને કેસમાં વિનોદ ડગરી સહિત ૬૨ આરોપીઓની ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટમાં આરોપીઓ જામીન અરજી ફાઇલ કરી હતી સુપ્રીમ કોર્ટે આ જામીન અરજીમાં લઠ્ઠાકાંડના કેસનો ઝડપી નિકાલ આવે તે માટે કેસ ડે ટુ ડે ચલાવવા આદેશ કર્યો છે.

લઠ્ઠાકાંડ સદર્ભે વિનોદ ડગરી, રાજેન્દ્રસિંહ, જયરામ પવાર સહિત ૬૨ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં ૨૭ આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા હાલ સેન્ટ્રલ જેલમાં૩૫ જેટલા આરોપીઓ છેલ્લાં ૭ વર્ષથી બંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કેસની ટ્રાયલ વર્ષ ૨૦૧૩થી ડે ટુ ડે ચાલી રહી છે. જોકે ટ્રાયલ કાચબાની ગતિએ ચાલતા જેલમાં બંધ ૩૫ આરોપી ગઇ કાલે સેન્ટ્રલ જેલમાં જીદે ચઢ્યા હતા અને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થવા માટેનો સાફ ઇન્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છેકે ગઇ કાલે સેશન્સ જ્જ બી.એન.મકવાણાની કોર્ટમાં લઠ્ઠાકાંડની ટ્રાયલ શરૂ થઇ હતી. જેમાં આરોપીઓ વીડિયો કોન્ફરન્સથી નહીં આવતાં જજે જેલના સુપરિન્ટેન્ડેટ પર પોતાની નારાજગી વ્યકત કરી હતી અને આરોપીઓ કેમ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર નથી થયા તેનો લેખિતમાં રિપોર્ટ માગ્યો હતો. સેન્ટ્રલ જેલમાં એક કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો જોકે જેલ સુપરિન્ટેન્ડેટે આરોપીઓને સમજાવ્યા હતા અને ત્યાર બાદ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કર્યા હતા.

આ કેસમાં ત્રણ વર્ષ પછી આરોપીઓ સામે તહોમતનામું ઘડવામાં આવ્યું હતું જેમાં ઓઢવના કેસમાં ૧૬૦૪ સાક્ષી છે ત્યારે મજૂરગામના કેસમાં ૬૭૭ સાક્ષી છે. બંને કેસમાં હજુ સુધી ૮૫૭ સાક્ષીઓ જ તપાસાયા છે ત્યારે ૧૪૨૪ સાક્ષી બાકી છે . બંને કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર તપાસી લેવાયા છે ત્યારે મજૂરગામના કેસમાં એફએસએલના અધિકારીઓની પણ જુબાની લેવાઇ ગઇ છે.

સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોષીએ જણાવ્યું છે કે લઠ્ઠાકાંડના કેસની મંથરગતિનો મુદ્દો ઉઠાવીને આરોપીઓએ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થવાનો ઇન્કાર કર્યો હતો. જોકે અંતે તેમને જેલ સત્તાધીશો દ્વારા સમજાવવામાં અાવતા તેઅો હાજર થયા હતા. આ મામલે સેન્ટ્રલ જેલને કોઇ લેવા દેવા નથી. કેસ ધીમો ચાલવા અંગે આરોપીઓએ કોર્ટને પત્ર પણ લખ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલા બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને વીડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટમાં રજૂ કરવાના હતા. તેમાં ત્રણ કેદીઓએ એક સંપ થઇને કમલેશ મકવાણા નામના સિપાહીને ગાળો અાપીને માર પણ માર્યો હતો.

You might also like