હસીનને મોડલિંગ કરવું મોંઘું પડ્યુંઃ કોર્ટે ભરણપોષણનો દાવો નકાર્યો

કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહંમદ શમીની પત્ની હસીન જહાને મોડલિંગ કરવાનું મોંઘું પડી ગયું છે. સોશિયલ મીડિયા પર મોડલિંગ ઉપરાંત ફિલ્મ ડિરેક્ટરો સાથે હસીનની તસવીરો અને મીડિયા રિપોર્ટને પતિ શમીએ કાયદાકીય લડાઈમાં પોતાનાં હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

શમીના વકીલે કોર્ટમાં કહ્યું કે જ્યારે હસીન મોડલિંગ કરવાની સાથે સાથે ફિલ્મો પણ સાઇન કરી રહી છે પછી તેને શા માટે ગુજરાન ભથ્થું આપવું જોઈએ?

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે હસીનના ભરણપોષણ માટે મોહંમદ શામીએ કાંઈ આપવું નહીં પડે, પરંતુ પુત્રીના પાલન-પોષણ માટે દર મહિને રૂ. ૮૦,૦૦૦ની રકમની ચુકવણી કરવી પડશે. હસીને જહાંએ પતિ પાસેથી પોતાના ભરણપોષણ માટે દર મહિને રૂ. સાત લાખની અને પુત્રી માટે અલગથી રૂ. ત્રણ લાખની માગણી કરી હતી.

પતિથી અલગ પોતાની પુત્રી સાથે કોલકાતામાં રહેતી હસીને થોડા સમય પહેલાં ફરીથી મોડલિંગના ક્ષેત્રમાં ઊતરવાની વાત કહી હતી. એ સાથે જ તેણે મોડલિંગ કરતી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. બે ફિલ્મ ડિરેક્ટરો સાથે પોતાની તસવીરોને પણ સોશિયલ મીડિયામાં શેર કરતાં ફિલ્મોમાં આવવાનો દાવો કર્યો હતો.

શમીના વકીલે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં હસીન સંબંધિત તસવીરો અને સમાચારોને પુરાવા રૂપે કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ પતિ સામે કોલકાતા કોર્ટમાં ભરણપોષણનો દાવો માંડ્યો હતો.

શમીના વકીલે હસીનના મોડલિંગ સંબંધિત ફોટોગ્રાફ્સ અને મીડિયા રિપોર્ટ્સને કોર્ટમાં રજૂ કરીને કહ્યું કે હસીને મોડલિંગ અને ફિલ્મમાં પોતાની કરિયર સ્થાપિત કરી લીધી છે. આ સ્થિતિમાં તે કોઈ પણ ગુજરાન ભથ્થા માટે હકદાર નથી.

હસીનના વકીલ ઝાકિર હુસેને દાવો કર્યો હતો કે મોહંમદ શામી વર્ષમાં રૂ. ૧૦ કરોડની કમાણી કરે છે તેથી પત્નીને રૂ. ૧૦ લાખ આપવા તેના માટે મુશ્કેલ નથી. જોકે તેઓ શમીની આવક બાબતે કોઈ સચોટ પુરાવો કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોહંમદ શામીને ફક્ત પુત્રીના ઉછેર માટે દર મહિને રૂ. ૮૦ હજાર ચૂકવવા આદેશ આપ્યો હતો.

You might also like