અમદાવાદ સેશન્સ કોર્ટનો હાર્દિકને વધુ એક ઝટકો

અમદાવાદ: હાર્દિક પટેલને રાજદ્રોહના ગુનામાં જામીન આપવા માટે સુરત સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યા બાદ અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની જામીન અરજીને ફગાવી દઈને વધુ એક ઝટકો આપ્યો હતો.  પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ એન્ડ મંડળીએ રાજ્યમાં કરેલી ૧પર જેટલી સભાઓ અને ટેલિફોનિક સંવાદોના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની સામે રાજદ્રોહની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને તેમના ફોજદારી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા. આથી હાર્દિક પટેલ સહિત ત્રણેય આરોપીઓએ કાયમી જામીન મેળવવા માટે અમદાવાદ એડિશનલ સેશન્સ જજ એન.જી. દવેની કોર્ટમાં જામીન અરજી કરી હતી.

આ અરજી અંગે એડિશનલ સેશન્સ જજ એન.જી. દવેએ પોતાનો ચુકાદો જાહેર કરીને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાને જામીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવતા કહ્યું હતું કે જો આરોપીઓને જામીન અપાય તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી શક્યતા છે. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દર્શનીય ગુનો જણાય છે અને ગુનાની ગંભીરતા જોતા હાલના તબક્કે જામીન આપી શકાય તેમ નથી.

પાસના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીદારો દ્વારા તા. રપ ઓગસ્ટના રોજ જે ભડકાઉ ભાષણ કરાયા હતા અને ત્યાર બાદ તા. રપ અને ર૬ ઓગસ્ટના રોજ જે તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરીને તેમની સામે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ અને તેના સાથીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાએ જામીન મેળવવા અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સરકાર પક્ષ દ્વારા સખત વિરોધ કરાયો હતો.

હાર્દિક પટેલ તથા તેના સાથીઓ દ્વારા એવો બચાવ રજૂ કરાયો હતો કે પોલીસે તેમની વિરુદ્ધ બિલકુલ ખોટી રીતે કેસ કર્યો છે અને રાજકીય કિન્નાખોરી રાખીને તેમને ફસાવવામાં આવ્યા છે. જો કે કોર્ટે તેમના બચાવને ફગાવ્યો હતો.  એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક અને તેના સાથીઓની જામીન અરજીને ફગાવી દેવાતાં હવે તેઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરવી પડશે.

You might also like