જમીન હડપવાની ફરિયાદ પોલીસે છેવટે કોર્ટના આદેશ બાદ નોંધી

અમદાવાદ: પાવર ઓફ એટર્નીના આધારે જમીન હડપ કરવાના અસંખ્ય બનાવો અમદાવાદ જિલ્લામાં બની રહ્યા છે આવો જ એક જમીન હડપ કરવાનો કિસ્સો કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. લોન અપાવવાને બહાને કોરા સ્ટેમ્પ પેપર પર અંગૂઠાનું નિશાન લઇ અને પાવર ઓફ એટર્નીના આધારે ૭૦ વર્ષીય વૃદ્ધની જમીન હડપવાની ફરિયાદના આધારે મીરજાપુર કોર્ટના આદેશ બાદ કણભા પોલીસે વૃદ્ધની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.

નરોડા નજીક આવેલા કણભા ગામમાં 70 વર્ષિય ભલાજી ઠાકોર તેમની પત્ની અને અસ્થિર મગજના પુત્ર સાથે રહે છે. નરોડા વિસ્તારમાં રહેતા દિનેશ દેસાઇ નામના શખ્સે ભલાજીને બેંકમાંથી લોન અપાવવાને બહાને વિશ્વાસમાં લઇને કોરા સ્ટેમ્પ પેપર પર ભલાજી ઠાકોરનું અંગૂઠાનું નિશાન લઇ લીધું હતું. જેના આધારે દિનેશ દેસાઇએ સ્ટેમ્પ પેપર પર પાવર ઓફ એટર્ની બનાવીને જમીનનો દસ્તાવેજ પોતાને નામે કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. બે મહિના પહેલાં દસ્તાવેજ રજિસ્ટારની નોટિસ આવતાં ભલાજી ચોંકી ઊઠ્યા હતા.

ભલાજી ઠાકોરે દિનેશ દેસાઇ અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવવા માટે કણભા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યાં પોલીસ ફરિયાદ નહીં લેતા અમદાવાદ જિલ્લાના એસપી સમક્ષ રજૂઆત કરી હતી. ભલાજીની ફરિયાદ એસપીએ પણ નહીં સાંભળતા અંતે તેમણે મીરજાપુર ગ્રામ્ય કોર્ટના જ્જ અભિનવ મુદગલની કોર્ટમાં અરજી કરી હતી. જજે કણભા પોલીસને ભલાજી ઠાકોરની ફરિયાદ નોંધીને 30 દિવસમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ કર્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસે આરોપી દિનેશ દેસાઇ સહિત 4 વ્યકિત સામે છેતરપિંડી, વિશ્વાસધાત અને કાવતરાની ફરિયાદ દાખલ કરી છે.

You might also like