બોગસ પાસપોર્ટની મદદથી કેનેડા જઇ રહેલ દંપત્તિ ડિપોર્ટ

અમદાવાદ : બોગસ પાસપોર્ટની મદદથી અમદાવાદથી કેનેડા જઇ રહેલું એક દંપત્તિ ઝડપાયું છે. બોગસ પાસપોર્ટ અને વિઝાની મદદથી આ દંપત્તિ વાયા અબુધાબી થઇને કેનેડા જવા ઇચ્છતુ હતું. જો કે અબુધાબી ઇમિગ્રેશન વિભાગે આ બંન્નેને ઝડપી પાડ્યા હતા અને અમદાવાદ ખાતે ડિપોર્ટ કરી દીધા હતા. અત્રે નોંધનીય છે કે હાલમાં જ અમદાવાદથી ટ્રાન્ઝિટ વિઝા વગર જ અલ સેલ્વાડોર જઇ રહેલા 9 લોકોને મુંબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જો કે હવે આ દંપત્તિ ઝડપાયા બાદ અમદાવાદ એરપોર્ટનાં ઇમિગ્રેશન વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવાઇ રહ્યા છે.
હાલ તો આ દંપત્તિને સરદાર નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. તેઓએ અન્ય કોઇનાં પાસપોર્ટ પર પોતાનાં ફોટા ચોંટાડીને બોગસ વિઝા તૈયાર કરવામાં આવ્યા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જો કે અમદાવાદ ઇમિગ્રેશન વિભાગ પર હવે સવાલ પેદા થઇ રહ્યા છે. અગાઉ પણ 9 લોકોને પાછા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અને હાલ આ દંપત્તિ ઝડપાયા બાદ આ સવાલો અને રહસ્ય બંન્ને ઘેરા બન્યા છે.

You might also like