અપહરણ કરેલા એક વર્ષના બાળકને યુગલે રિક્ષામાં ત્યજી દીધું, પોલીસે રિક્ષાચાલકના માનવીય અભિગમને બિરદાવ્યો

અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પરથી ચાર દિવસ પહેલા ગૂમ થયેલું એક વર્ષનું બાળક ગઈકાલે અડાલજ પાસે રિક્ષાની પાછલની સીટમાંથી મળી આવ્યું છે. અપહૃત બાળકને લઈને એક યુગલ રિક્ષામાં બેઠું હતું, જોકે પકડાઈ જવાના ડરે યુગલે બાળકને રિક્ષામાં ત્યજીને ફરાર થઈ ગયું હતું.

શહેરમાં રિક્ષાચાલકો દ્વારા પેસેન્જરોને લૂંટી લેવાના સતત વધી રહેલા કિસ્સાના કારણે આજે લોકો રિક્ષાચાલકોને શંકાની નજરે જુએ છે અને તેમાં બેસતાં પહેલા દસ વખત વિચાર કરે છે પરંતુ દરેક રિક્ષાચાલકો લુંટારુ નથી હોતા. આજે માણસાઇ જીવિત હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક રિક્ષાચાલકે જેને પોતાની સૂઝબૂઝથી તેની રિક્ષામાં આવી ગયેલા એક વર્ષના બાળકને પોલીસને સોપ્યું હતું. ચાર દિવસ પહેલાં આ બાળકનું એસ.જી. હાઇવે પરથી અપહરણ થયું હતું.

ગાંધીનગર જિલ્લાની ખોરજ ગામમી સીમમાં રહેતો અજય મંગલસિંહ ગોહિલ રિક્ષા ચલાવીને પોતાનું અને તેના પરિવારનું ગુજરાન ચાલાવે છે. ગઇ કાલે સોલા બ્રિજ પાસેથી એક પુરુષ અને મહિલા એક વર્ષના બાળકને લઇને રિક્ષામાં અજય ગોહિલની રિક્ષામાં બેઠું હતું. ત્યાર બાદ સોલા પાસેથી અજયે અન્ય પેસેન્જરો બેસાડ્યા હતા. જેમને ગોતા ચોકડી ઉતાર્યા હતા.

સોલાબ્રિજથી રિક્ષામાં બાળક સાથે બેઠેલું યુગલ અડાલજ ઊતરી ગયું હતું. અજય અડાલજ ત્રિમંદિર પાસે પહોંચ્યો ત્યારે તેની રિક્ષામાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. રિક્ષા સાઇડમાં ઊભી રાખીને અજયે તપાસ કરતાં પેસેન્જરની સીટની પાછળ બાળક હતું.

સોલાબ્રિજથી બેઠેલું યુગલ બાળક ભૂલી ગયું હોવાનું માનીને અજયે તેમની શોધખોળ શરૂ કરી હતી જોકે તેમને કોઇ પત્તો નહીં લાગતાં તે સીધો અડાલજ પોલીસ સ્ટેશનમાં બાળકને લઇને પહોંચી ગયો હતો. પોલીસે નજીકના પોલીસ સ્ટેશન તેમજ મિસિંગ સેલમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અજયની રિક્ષામાંથી મળી આવેલ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ ૧૨મી જાન્યુઆરીના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.

એસ.જી.હાઇવે પર આવેલ હેબતપુર પાસે જાહેર રોડ પર રહેતા કાળુભાઇ રુમલભાઇ કનીપાને તેમના એક વર્ષના પુત્ર જિજ્ઞેશના ગુમ થવા અંગેની ફરિયાદ કરી હતી. અડાલજ પોલીસે અજયની રિક્ષામાંથી મળી આવેલ જિજ્ઞેશને હેમખેમ તેનાં માતા પિતાને સોંપ્યો છે ત્યારે ગાંધીનગરના એસપીએ અજયની સતર્કતા અને માનવીય અભિગમને બીરદાવીને એક હજાર રૂપિયાનું ઇનામ આપ્યું છે.

સોલા પોલીસે જિજ્ઞેશનું અપહરણ કરનાર દંપતીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.વાધેલાએ જણાવ્યું છે કે યુગલ જિજ્ઞેશનું અપહરણ કરીને લઇ જઇ રહ્યું હતું. જોકે પકડાઇ જવાના ડરથી તેઓ તેને રિક્ષામાં મૂકીને ફરાર થઇ ગયું હતું.

You might also like