દેશ કોંગ્રેસમુક્ત સાથે ભાજપમુક્ત પણ થઈ રહ્યો છે

૨૦૧૪માં નરેન્દ્ર મોદી અને ભાજપે કોંગ્રેસમુક્ત ભારતના મુદ્દા સાથે દેશભરમાં પ્રચાર-પ્રસાર કર્યો અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં. ૨૦૧૪ પછી તો થોડા સમય માટે એવું લાગતું હતું કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ધીમેધીમે દરેક રાજ્યમાં ભગવો લહેરાવશે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ન ભાજપનો ગજ વાગ્યો કે ન કોંગ્રેસનો. પણ સ્થાનિક પક્ષોએ બાજી મારી.

૨૦૧૪માં યોજાયેલી નવ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર માત્ર હરિયાણા અને ઝારખંડ રાજ્યમાં સરકાર બનાવી શકી. જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાનો ટેકો લેવો પડ્યો અને જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપવાનો વારો આવ્યો. અલબત્ત, કોંગ્રેસ માત્ર અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી શકી હતી. જ્યારે આંધ્રપ્રદેશમાં તેલગુ દેશમ પાર્ટીએ, તેલંગણામાં તેલગંણા રાષ્ટ્રા સમિતિએ, ઓડિસામાં જનતા દળ (બી) અને સિક્કિમમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે ભવ્ય વિજય મેળવ્યો હતો.

૨૦૧૫ની શરૂઆત કોંગ્રેસ અને ભાજપ માટે ઘાતક રહી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાથે રાજનીતિમાં પરિવર્તનનો પવન ફૂંક્યો અને ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને બંને રાષ્ટ્રીય પાર્ટીને શરમજનક પરાજય આપ્યો. તેવું જ બિહારમાં થયું. બિહારમાં જનતાદળ અને રાષ્ટ્રીય જનતાદળે ગર્વપૂર્વક સરકાર બનાવી. ૨૦૧૬માં પાંચ રાજ્યોની ચૂંટણીઓ થઈ. ભાજપને આસામમાં સરકાર બનાવવાની તક જરૂર મળી પણ સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો.

તમિલનાડુમાં જયલલિતા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, પુડુચેરીમાં કોંગ્રેસ અને કેરળમાં ડાબેરીઓએ સત્તા મેળવી. કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતી ભાજપે આ પાંચ રાજ્યોમાં ૬૯૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેમાંથી માત્ર ૬૪ બેઠકો પર સફળ થયાં હતાં. છેલ્લાં બે વર્ષનાં પરિણામો બતાવે છે કે ભારત કોંગ્રેસમુક્તની સાથે ભાજપમુક્ત પણ થઈ રહ્યું છે. કેન્દ્રમાં નિર્ણાયક બનતાં ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ક્યાંય ભાજપ કે કોંગ્રેસની સરકાર નથી.

You might also like