સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મતગણતરી

અમદાવાદ : ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૦ તાલુકા પંચાયતની ચુંટણીના પરિણામો આવતીકાલે હવે જાહેર થનાર છે. કોણ ક્યાં બાજી મારશે તેને લઈને ચાલી રહેલી અટકળોનો આવતીકાલે અંત આવી જશે. ૨૯મી નવેમ્બરના દિવસે યોજાયેલા મતદાન બાદથી ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી હતી. આવતીકાલે ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતની યોજાયા બાદ મત ગણતરી યોજાશે.

મત ગણતરી કેન્દ્રો ઉપર તમામ સુવિધા ગોઠવી દેવામાં આવી છે. અધિકારીઓને પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, નગરપાલિકામાં ૫૬.૮૯ ટકા, જિલ્લા પંચાયતમાં ૫૮.૦૨ ટકા અને તાલુકા પંચાયતમાં ૫૯.૪૧ ટકા જેટલું ઊંચુ મતદાન થયું હતું જેથી આ મતદાન કોની તરફેણમાં થયું હતું તે અંગેની અટકળોનો આવતીકાલે અંત આવશે. મોટાભાગે ભાજપનું વર્ષ ૨૦૧૦માં વર્ચસ્વ રહ્યું હતું.

પરંતુ આ વખતે પાટીદાર સમુદાયના આંદોલન અને શાસનવિરોધી પરિબળ જેવા પરિબળોના પરિણામ સ્વરૂપે ભાજપને મોટો ફટકો પડે તેમ માનવામાં આવે છે.
બીજીબાજુ કોંગ્રેસે આ વખતે તમામ તાકાત લગાવીને પાટીદાર સમુદાયને પોતાની તરફેણમાં કરવા માટે જિલ્લા અને તાલુકા પંચાયતમાં તમામ પ્રયાસ કર્યા હતા. ૨૯મીના દિવસે મતદાન બાદ ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૯૮૮ બેઠકો માટે મેદાનમાં રહેલા કુલ ૨૪૯૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.

જ્યારે ૨૩૦ તાલુકા પંચાયતમાં રહેલી ૪૭૭૮ બેઠકો માટે મેદાનમાં રહેલા ૧૧૬૩૫ ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. આ ઉપરાંત ૫૬ નગરપાલિકાની ૨૦૮૮ બેઠક માટે મેદાનમાં રહેલા ૫૨૯૬ ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવતીકાલે થનાર છે. તમામ જગ્યાએ ઈવીએમ મારફતે મતદાન યોજાયું હોવાથી વહેલી તકે પરિણામ મળી રહે તેમ માનવામાં આવે છે.

સાંજ સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેમ પણ માનવામાં આવે છે. કુલ મતદારોની સંખ્યા ૨.૫૯ કરોડ નોંધાઇ હતી.જે પૈકી મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચુંટણી દરમિયાન ૮૧૧૦ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે ૩૧ જિલ્લા પંચાયત માટે ૯૮૮થી પણ વધુ ઉમેદવાર ચુંટણી મેદાનમા હતા.

૯૮૮ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપે તમામ જગ્યાઓએ મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. ૫૬ નગરપાલિકાની ચુંટણી માટે મેદાનમાં રહેલા ભાજપના ૧૯૪૫ ઉમેદવાર, કોંગ્રેસના ૧૮૦૧ ઉમેદવાર, ૪૬૮ અન્ય અને ૧૦૮૦ અપક્ષ ઉમેદવારોના ભાવિ આવતીકાલે નક્કી થનાર છે. ૨૭ ઉમેદવારને પહેલાથી જ બિનહરિફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ૨૩૦ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના ૭૭૧૬ ઉમેદવાર, કોંગ્રેસે ૪૬૯૭ ઉમેદવાર, ૬૫૭ અન્યો અને ૧૫૯૫ અપક્ષ ઉમેદવારોના ભાવિ આવતીકાલે નક્કી થનાર છે.

પહેલાથી જ ૫૪ને બિનહરિફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતની ચુંટણી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે ખૂબ જ પડકારરૂપ ગણવામાં આવી રહી છે. કોંગ્રેસ તરફથી પણ પ્રચારની જવાબદારી શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકીએ સંભાળી હતી. ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઉપરાંત અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન યોજાયા બાદ આવતીકાલે મતગણતરી થશે.

આ છ મહાનગરપાલિકામાં કોનું શાસન રહેશે તેને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો પણ અંત આવશે. મતગણતરી કેન્દ્રો સજ્જ થઈ ચુક્યા છે. ઈવીએમને વિધિવતરીતે સવારે બહાર કાઢવામાં આવ્યા બાદ મતદાન કેન્દ્રો ઉપર લઈ જવામાં આવશે, ત્યારબાદ ગણતરીનો દોર શરૂ થશે. મતગણતરી કેન્દ્રો ઉપર પણ પુરતી સુરક્ષા રાખવામાં આવી છે. ૨૨મી નવેમ્બરના દિવસે છ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે સરેરાશ ૪૮.૫૦ ટકા મતદાન થયુ હતુ.

અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયુ હતુ. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે એકંદરે ૪૮.૫૦ ટકા મતદાન નોંધાયું હતું જે ૨૦૧૦ની સરખામણીમાં વધારે હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી. આવતીકાલે મતગણતરી શરૂ થયા બાદ ૧૮૫૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ૨૨મી નવેમ્બરે અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયું હતું.

જે ૨૦૧૦માં યોજાયેલા ૪૪.૧૨ ટકા મતદાન કરતા વધારે રહ્યું હતું. આવીજ રીતે વડોદરામાં ૨૦૧૦માં ૪૪.૪૧ ટકાની સામે ૪૮ ટકા મતદાન થયું હતું. રાજકોટમાં પણ ગયા વખત કરતા ખુબ વધારે મતદાન થયું હતું. સુરતમાં ૩૯.૬૪, ભાવનગરમાં ૪૭.૪૪અને જામનગરમાં ૫૬.૯૬ ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકા પૈકીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની ૫૬૮ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ.

રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ ૫૬૮ બેઠકો માટે ૧૨૬૧૬ મતદાન મથકો ઉપર મતદાન યોજાયુ હતુ. છ મહાનગર પાલિકાઓના કુલ ૧૪૩ વોર્ડની ૫૬૮ બેઠકો પર જે તે પક્ષ ઉપરાત અપક્ષ અને અન્ય સાથે કુલ ૧,૮૫૬ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. છ મહાનગરપાલિકામાં કુલ ૯૫,૯૦, ૫૫૨ મતદારો નોંધાયા હતા.

જેમાં ૫૧,૧૦,૭૧૩ પુરૂષ અને ૪૪,૭૯,૮૩૯ મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી ૪૮.૫૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મનપાના મતદાન મથકોની સંખ્યા ૧૨,૬૧૬ નોંધાઇ હતી. છ મનપા કુલ ૯૫,૯૦,૫૫૨ મતદારોમાંથી અમદાવાદમાં કુલ ૩૯,૮૩,૫૮૯ મતદારો નોંધાયા હતા.

જેમાં પુરુષ ૨૦,૯૫,૧૪૮ અને સ્ત્રી ૧૮,૮૮,૪૪૧ મતદારો નોંધાયા હતા. અમદાવાદમાં કુલ ૫૮૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જ્યારે વડોદરામાં ૨૨૭, સુરતમાં ૪૩૫, રાજકોટમાં ૨૪૬, ભાવનગરમાં ૧૪૭, જામનગરમાં ૨૧૩ ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે.

You might also like