બાબરી ધ્વંસ કોઇ રોકી ન શક્યું, મંદિર નિર્માણ કોણ રોકશે?: યોગી આદિત્યનાથ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં હવે નેતાઓ પોતાના સૂર બદલવા લાગ્યા છે. ભાજપ ભલે સતત એવો દાવો કરી રહ્યો હોય કે રામમંદિરને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવશે નહીં, પરંતુ પક્ષના સાંસદ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના બસ્તીમાં રામમંદિરને લઇને એક વિવાદી નિવેદન કર્યું છે. તેમણે પોતાના ભડકાઉ અને ઉશ્કેરણીજનક અંદાજમાં જણાવ્યું છે કે જ્યારે અયોધ્યામાં વિવાદી માળખું ધરાશાયી કરવામાં કોઇ રોકી શકયું નહીં તો પછી મંદિર બાંધતાં કોણ રોકી શકશે?
એક રામકથાના આયોજનમાં પહોંચેલા યોગી આદિત્યનાથે વહીવટીતંત્રને ધમકી આપતી સ્ટાઇલમાં જણાવ્યું હતું કે ભગવાન રામના મંદિરને બનતું કોઇ અટકાવી નહીં શકે. છઠ્ઠી ડિસેમ્બરના રોજ કારસેવકોએ વિવાદી માળખું ધરાશાયી થયા બાદ ઇંટનો એક એક ટુકડો પોતાની સાથે લઇને ચાલ્યા ગયા હતા અને હવે પોતાની રીતે મંદિર બનાવવા માટે તેનો ઉપયોગ કરશે.
ભાજપના સાંસદ આટલેથી અટકયા નહોતા. તેમણે પોતાની અસલ સ્ટાઇલમાં ભારત રત્ન મધર ટેરેસા અંગે પણ ટિપ્પણી કરી હતી. આદિત્યનાથે જણાવ્યું હતું કે મધર ટેરેસા ધર્માંતરણ કરાવતા હતા અને આજે પણ સેવાના નામે ધર્માંતરણ જારી છે. મધર ટેરેસાના માણસો ભારતનું ખ્રિસ્તીકરણ કરાવી રહ્યા છે. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રિસ્તીઓએ ખતરનાક સ્થિતિ ઊભી કરી છે. આ સ્થિતિને જોવી હોય તો ઝારખંડ, અરુણાચલ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય જવાની જરૂર છે.
આદિત્યનાથે કૈરાના બાબતે દુઃખ વ્યકત કરતાં જણાવ્યું હતું કે હિંદુઓ કયાં સુુધી હિજરત કરતા રહેશે અને કયાં જશે? પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જયારે હિંદુઓને ભગાડવામાં આવ્યા ત્યારે કેમ કોઇએ અસહિષ્ણુતાની વાત કરી નહોતી? એ વખતે કયારેય કોઇએ પોતાના એવોર્ડ પરત કર્યા ન હતા.

You might also like