નિક્કી હેલીના સ્થાને ટ્રમ્પ પોતાની પુત્રી ઇવાન્કાને નિયુક્ત કરવા માગે છે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુકત રાષ્ટ્ર સંઘના રાજદૂત નિક્કી હેલીના રાજીનામા પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે જો વંશવાદની કોઇને ફરિયાદ કે વાંધો ન હોય તો મારી પુત્રી ઇવાન્કા ટ્રમ્પ નિક્કી હેલીના સ્થાને યોગ્ય પસંદ બની રહેશે.

વંશવાદ સાથે તેને કોઇ નિસબત નથી, પરંતુ હું એવું કહેવા માગું છું કે જે લોકો ઇવાન્કાને જાણે છે તેઓને ખબર છે કે ઇવાન્કા જ આ પોસ્ટ માટે સૌથી યોગ્ય ઉમેદવાર બની રહેશે. જોકે મને ખબર છે કે ઇવાન્કાની જો આ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે તો મારા પર પરિવારવાદનો આક્ષેપ થશે એવું ટ્રમ્પે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર સંઘમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ મંગળવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ટ્રમ્પે ૪૬ વર્ષીય નિક્કી હેલીના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ભારતીય મૂળનાં નિક્કી હેલીની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમણે ખરેખર અસાધારણ કામગીરી કરી છે.

You might also like