માર્ચ સુધીમાં ૦.૨૫ ટકા વ્યાજદર ઘટી શકે છે

મુંબઇ: દેશમાં ફુગાવામાં આવેલા ઘટાડાના કારણે નીતિગત વ્યાજના દરમાં ઘટાડાની સંભાવના વધી ગઇ છે. ઇન્ડિયા રેટિંગના જણાવ્યા પ્રમાણે છૂટક અને જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડાના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. નોંધનીય છે કે રિટેલમાં સપ્ટેમ્બર મહિનામાં ફુગાવાનો દર ૧૩ મહિનાના તળિયે ૪.૩૧ ટકાના દરે જોવાયો છે, જે ઓગસ્ટ મહિનામાં ૫.૦૫ ટકા હતો, જ્યારે જથ્થાબંધ ફુગાવાના આંકમાં પણ ઘટાડો નોંધાયો છે.

ઇન્ડિયા રેટિંગના રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે રિઝર્વ બેન્કના વલણમાં બદલાવ આવ્યો છે. તો બીજી બાજુ ફુગાવો પણ ઘટ્યો છે. આ જોતાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં હજુ વધુ નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. નોંધનીય છે કે ચાર ઓક્ટોબરે આરબીઆઇએ નાણાકીય નીતિની સમીક્ષા કરતા સમયે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને ૬.૨૫ ટકા કર્યો છે. રેટિંગ એજન્સીનું માનવું છે કે નરમ નાણાકીય નીતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.ઉલ્લેખનીય છે કે ઉદ્યોગજગત પાછલા કેટલાક સમયથી નીતિગત વ્યાજના દરમાં ઘટાડાની માગ કરી રહ્યું છે. તાજેતરમાં જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ૦.૨૫ ટકાના વ્યાજદરમાં ઘટાડો કરાતા આંશિક રાહત થઇ છે.

You might also like