કપાસના ઘટતા પાકના પગલે કપાસિયા તેલમાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: પાછલા વર્ષે પણ ખેડૂતોને કપાસની ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ વખતે પણ કપાસના વાવેતરમાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. સ્થાનિક એગ્રીકલ્ચર વિભાગના અનુમાન મુજબ આ વખતે કપાસના વાવેતરમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા છે. એક બાજુ કપાસના ઘટતા જતા વાવેતર તો બીજી બાજુ તહેવારો પૂર્વે સિંગતેલના ઊંચા ભાવને કારણે પાછલાં બે મહિનામાં કપાસિયા તેલના ભાવમાં ૬૦થી ૧૦૦ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. હાલ કપાસિયા તેલનો ભાવ ડબે ૧૩૩૦થી ૧૩૫૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક ખાદ્યતેલના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે સિંગતેલના ઊંચા ભાવના કારણે અન્ય ખાદ્યતેલોની માગમાં ઉછાળો નોંધાયો છે અને કપાસિયા સહિત સરસિયા તેલના ભાવમાં પણ મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરસિયા તેલનો ડબે ભાવ ૧૫૦૦ રૂપિયા ક્રોસ થવાની તૈયારીમાં છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નવી સિઝનની આવક આવવાને બે મહિનાની વાર હોવા છતાં ઊંચી માગને કારણે મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

You might also like