કપાસિયા તેલમાં આગળ વધતો સુધારો

અમદાવાદ: તહેવારો પૂર્વે જ સિંગતેલમાં જોવા મળેલા ઉછાળા પાછળ અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ સુધારાની ચાલ નોંધાઇ છે. કપાસિયા તેલના ભાવે ડબે રૂ. ૧૩૫૦ની સપાટી વટાવી દીધી છે.
નોંધનીય છે કે બે મહિનામાં કપાસિયા તેલના ભાવમાં ડબે ૧૦૦થી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક ખાદ્યતેલ બજારના વેપારીઓના કહેવા પ્રમાણે તહેવારો પૂર્વે સિંગતેલની પાછળ કપાસિયા તેલની માગ પણ નીકળી છે અને તેના કારણે કપાસિયા તેલમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ છે.

સિંગતેલમાં પણ છેલ્લાં બે સપ્તાહમાં ઉછાળો નોંધાયો છે. તહેવારોની માગ નીકળતાં સ્ટોકિસ્ટો દ્વારા સટ્ટાકીય ભાવ ઉછાળાની ચાલે સિંગતેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે, જોકે નીચા ભાવે કપાસિયા તેલની માગમાં વધારો થતાં કપાસિયા તેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

જોકે આ વખતે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સોયાબિનનું વાવેતર ઊંચું છે. આ વખતે સોયાબિનના વાવેતરમાં મહારાષ્ટ્રમાં ૧૨ ટકાનો વધારો થયો હોવાના ડેટા બહાર આવી રહ્યા છે ત્યારે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫ ટકાથી વધુ આવક વધે તેવી શક્યતા જોવાઇ રહી છે અને તેને કારણે સોયા તેલના ભાવ પ્રેશરમાં જોવાઇ શકે છે. એટલું જ નહીં પામ ઓઇલના ભાવ પણ પ્રેશરમાં જોવાઇ શકે છે.

You might also like