કપાસના પાકમાં ઘટાડાના અનુમાનોએ કિંમતમાં પાંચથી સાત ટકાનો વધારો

અમદાવાદ: ચાલુ સિઝનમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાના અનુમાનના કારણે પાછલા એક મહિનામાં કપાસની કિંમતમાં સાત ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. સિઝનમાં અપૂરતો વરસાદ થવાના કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયાનું અનુમાન છે અને તેના કારણે કપાસના ભાવ પ્રતિકેન્ડી ૩૫૬ કિલોગ્રામે રૂ. ૩૪,૬૦૦ની સપાટીએ પહોંચી ગયા છે, જે એક મહિના પૂર્વે રૂ. ૩૨૦૦૦ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યો હતો.

દરમિયાન કોટન એડ્વાઇઝરી બોર્ડના અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૫-૧૬ના ઓક્ટોબરથી સપ્ટેમ્બર મહિનાની સિઝનના સમયગાળામાં કપાસનું ઉત્પાદન ૩.૫૨ કરોડ ગાંસડી રહેશે. પાછલા વર્ષે ૩.૮ કરોડ કપાસની ગાંસડીનું ઉત્પાદન થયું હતું. જાણકારોના કહેવા પ્રમાણે પંજાબ તથા તેની આજુબાજુના પ્રદેશોમાં ધોળી ઈયળના ફેલાયેલા ઉપદ્રવના કારણે આ પ્રદેશોમાં કપાસના ઉત્પાદનમાં ૫૦ ટકાની ઘટ પડવાની શક્યતા છે.

You might also like