ઊંચા ભાવ મળી રહેવાની આશાએ કપાસનું વાવેતર વધવાની આશા

અમદાવાદ: કપાસના ભાવ વર્ષ ૨૦૧૬-૧૭માં અપેક્ષા મુજબ ઊંચા રહ્યા હતા. સેન્ટિમેન્ટ જોતાં ચાલુ વર્ષે પણ કપાસના ભાવમાં ઘટાડો જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, જેના પગલે ખેડૂતોને કપાસની ખેતી કરવામાં પ્રોત્સાહન મળશે. કપાસનો વાવેતર વિસ્તાર વધશે. ઇન્ટરનેશનલ કોટન એડ્વાઇઝરી કમિટી-આઇસીએસીના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે કપાસના વાવેતરમાં વધારો થશે.

વર્ષ ૨૦૧૭-૧૮ના કપાસ વર્ષ જુલાઇથી જૂનના સમયગાળામાં કપાસના વાવેતર વિસ્તારમાં વૈશ્વિક કક્ષાએ પાંચ ટકાનો વધારો થશે અને આ વિસ્તાર વધીને ૩.૦૮ કરોડ હેક્ટરનો થઇ જશે. એડ્વાઇઝરી કમિટીના રિપોર્ટ અનુસાર કપાસના ઊંચા ભાવના કારણે ખેડૂતોને વાવેતર કરવામાં પ્રોત્સાહન મળશે. ભારતમાં પણ વર્ષ ૨૦૧૭-૧૮માં કપાસના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાઇ ૧.૧૩ કરોડ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન છે. નોંધનીય છે કે પાછલા વર્ષે સૌથી વધુ કપાસની ઉપજ દક્ષિણ ભારતમાં થઇ હતી.

રાજ્યમાં ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે કપાસના વાવેતર ઉપર પાછલા વર્ષે અસર થઇ હતી તો બીજી બાજુ ઓછા વાવેતર અને નોટબંધીની અસરથી સ્થાનિક બજારમાં ભાવ ટકેલા રહ્યા હતા. એ ગ્રેડના કપાસના ભાવ હાલ ૨૦ કિલોના રૂ. ૧૦૦૦થી ૧૨૦૦ જોવા મળી રહ્યા છે, જે તેની અગાઉના વર્ષ કરતાં વધુ છે. પાછલા છ મહિનામાં કપાસના ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો ઉછાળો જોવાઈ ચૂક્યો છે.
http://sambhaavnews.com/

You might also like