આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માગ ઘટવાનું અનુમાન

મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માગના અગાઉ લગાવેલા અંદાજમાં ઘટાડો કરાયો છે. ઇન્ટરનેશનલ કોટન એડ્વાઇઝરી કમિટીના રિપોર્ટ મુજબ માગમાં ઘટાડો જોવાવાની શક્યતાઓ પાછળ કપાસના ભાવમાં પ્રેશર જોવાઇ શકે છે. કોટન એડ્વાઇઝરી કમિટીના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માગ ૨૪૩.૭ લાખ ટન રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ અગાઉ નવેમ્બરની શરૂઆતમાં વર્ષ ૨૦૧૫-૧૬ના સમયગાળા દરમિયાન વૈશ્વિક બજારમાં કપાસની માગ ૨૫૦.૪ લાખ ટન રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.

ચીનમાં કપાસની માગ ઘટીને ૭૩ લાખ ટન રહેવાનું અનુમાન છે, જ્યારે ભારતની માગ ત્રણ ટકાનો વધારો થઇ ૫૫ લાખ ટન રહેવાની આશંકા વ્યક્ત કરાઇ છે તો ‌બીજી બાજુ પાકિસ્તાનમાં કપાસની માગમાં ૧૦ ટકાનો ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વિયેટનામ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં કપાસની માગ વધવાનું અનુમાન છે. આ ભારતીય કપાસ નિકાસકારો માટે સારા સંકેત હોઇ શકે છે.

ઇન્ટરનેશનલ કોટન એડ્વાઇઝરી કમિટીના રિપોર્ટ મુજબ આ વર્ષે બાંગ્લાદેશમાં કપાસની માગ એક અંદાજ પ્રમાણે ૧૦ ટકા, જ્યારે વિયેટનામમાં ૨૦ ટકા વધવાનો અંદાજ છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય કોટન એડ્વાઇઝરી કમિટીના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫-૧૬ના સમયગાળા દરમિયાન કપાસનું ઉત્પાદન ઘટીને ૨૩૧.૧ લાખ ટન રહેવાનું અનુમાન છે. ભારતમાં ઉત્પાદન ચાર ટકા ઘટીને ૬૩ લાખ ટન રહેવાનું અનુમાન છે.

You might also like