દક્ષિણ કોરિયામાં કોસ્મેટિક કંપનીઓએ બાળકીઓ માટે બ્યુટી પાર્લર ખોલ્યાં

દુનિયાના બ્યુટી કેપિટલ તરીકે ઓળખાતા સાઉથ કોરિયામાં કોસ્મેટિક કંપનીઓ ટર્નઓવર વધારવા માટે હવે બાળકોને નિશાન બનાવી રહી છે. ખાસ કરીને ચારથી દશ વર્ષની ઉંમરની બાળકીઓ માટે જાણીતી કોસ્મેટિક કંપનીઓએ બ્યુટી પ્રોડક્ટ બનાવવાની સાથે સ્પાની શરૂઆત કરી દીધી છે. આ નવા ટ્રેન્ડથી નાની ઉંમરની બાળકીઓ આકર્ષાઇ રહી છે, પરંતુ લોકો વિરોધ કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે સુંદરતા પ્રત્યેની દીવાનગીના કારણે બાળકીઓ પોતાનું બાળપણ ગુમાવી રહી છે અને તેમનામાં ખૂબ જ જલદી મોટાં દેખાવાની ઇચ્છા વધી ગઇ છે. બાળકીઓની સુંદરતાને કિંડરગાર્ટન બ્યુટી કહેવાય છે.

સાઉથ કોરિયામાં બાળકીઓમાં સુંદર દેખાવાની દીવાનગી એ હદે વધી છે કે પોતાની યુટ્યૂબ ચેનલ પર મેકઅપ ટ્રિક પણ શેર કરી રહી છે. તેઓ જણાવી રહ્યા છે કે પ્રાઇમરી સ્કૂલમાં જતી બાળકીઓનો મેકઅપ પ્લાન કેવો હોવો જોઇએ. આ ઉપરાંત નવા પ્રોડક્ટને પણ વીડિયોમાં પ્રમોટ કરી રહી છે.

બાળકો માટે બ્યુટી પ્રોડક્ટ બનાવનાર શુશુ કોસ્મેટિક કંપનીએ સાઉથ કોરિયામાં ૨૦૧૩માં બિઝનેસ શરૂ કર્યો હતો. વર્તમાનમાં કંપનીના ૧૩ મોટા સ્ટોર્સ છે, જે બાળકો માટે હેલ્ધી કોસ્મેટિક ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે.

કોસ્મેટિક પ્રોડક્ટ હેઠળ પાણીમાં ઓગળી જતી નેલપોલિશ, નોન ટોક્સિક લિપ કલર, ફેન્સી ગર્લ સાબુ, બકરીના દૂધમાંથી બનેલાં શેમ્પુ જેવાં ઘણાં ઉત્પાદન સામેલ છે. તેના પેકિંગથી લઇને નામ પણ બાળકોને લોભાવે છે અને પેકિંગ પર સ્લોગન લખેલું હોય છે ‘હું બાળકી નથી’.

ખાસ કરીને ચારથી દશ વર્ષની ઉંમરમાં બાળકીઓ માટે ખોલાયેલા સ્પામાં તેમને ફૂટમાસ્ક, મસાજ, ફેસમાસ્ક, મેકઅપ અને મેનિક્યોર જેવી સર્વિસ આપવામાં આવે છે, તેમાં ૧૭૦૦થી ૨૫૦૦ રૂપિયા ખર્ચ થાય છે. બાળકો માટે સિયોલમાં પ્રિપરા કિડ કાફે બનાવાયું છે. ત્યાં ચારથી નવ વર્ષની બાળકીઓ પોતાના ફેવરિટ કાર્ટૂન કેરેક્ટરની જેમ તૈયાર થાય છે. સ્પા લીધા બાદ મેકઅપ કરે છે. અહીં શોપિંગ કર્યા બાદ તેમનું કેટવોક થાય છે અને એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીત પર ડાન્સ પણ કરે છે.

ફ્રીલાન્સ મેકઅપ આર્ટિસ્ટ સીયો ગારમ આનો વિરોધ કરતાં કહે છે કે હું એવા ક્લાયન્ટને સર્વિસ આપવા ઇનકાર કરું છું કે જે બાળકોને મેકઅપ કરવાનું કહે છે. સીયોએ ફ્સબુક પર વિનંતી કરતાં લખ્યું છે કે મહેરબાની કરીને લાલ લિપ‌િસ્ટક અને કર્લી વાળ સાથે બાળકોના ફોટાનો ઉપયોગ કરવાનું બંધ કરો. તે કહે છે કે નાની બાળકીઓને કાર્ટૂન કેરેક્ટરની જેમ માથાથી પગ સુધી મેકઅપ કરાય છે, તેનાથી બાળકીઓમાં એક સંદેશ જાય છે કે તેમની સફળતા માત્ર સુંદરતા સાથે જોડાયેલી છે.

You might also like