ભ્રષ્ટાચારનાં થીંગડાં

અમદાવાદ: સમગ્ર શહેરમાં રસ્તાનું હલકી ગુણવત્તાના કારણે ધોવાણ થવાથી ઠેર ઠેર ખાડા પડ્યા છે. હવે કોર્પોરેશન ખાડાઓ પૂરવાની મથામણમાં પડ્યું છે, પરંતુ તંત્રની રસ્તાને થીંગડાં મારવાની કામગીરી એટલી હદે કંગાળ પુરવાર થઇ છે કે લોકો કટાક્ષમાં આ થીંગડાંઓને ભ્રષ્ટાચારનાં થીંગડાં તરીકે ઓળખાવી  રહ્યા છે.

નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ ઠેર ઠેર રસ્તા પર પેચવર્કની કામગીરી હાથ ધરી છે, પરંતુ આ પેચવર્કની કામગીરી ટીકા પાત્ર બની છે. સો મીટર કે બસો મીટરના રસ્તાના ખાડા પૂરવામાં પણ કોર્પોરેશને લેવ‌િલંગ જાળવ્યું નથી. એક પછી એક ચારથી પાંચ સ્તરના ડામરના રગડા જોવા મળી રહ્યા છે. ક્યાંક ક્યાંક તો મૂળ રસ્તા કરતાં ડામર-કપચીના થર અડધા ફૂટથી ઊંચે ચઢ્યો છે.

સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે રસ્તાના કામો ઢંગધડા વગર થઈ રહ્યા છે. લાખો-કરોડોનો કોન્ટ્રાક્ટ મેળવતા કોન્ટ્રાક્ટરો અાડેધડ પેચવર્કના નામે થીંગડાં મારે છે. તેની સામે મ્યુનિ. તંત્ર અાંખમિચામણા કરી રહ્યું છે. મ્યુનિ. અધિકારીઅો અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે અત્યારે શહેરમાં અમુક રોડને બાદ કરતા મોટાભાગના રોડ થીંગડાંવાળા બની ગયા છે. પેચવર્કના નામે થીંગડાં મરાય છે. પણ રોલ પણ યોગ્ય રીતે ફેરવાતું નથી.

ચાર રસ્તા પરનાં પેચવર્ક પણ ઊબડખાબડ રીતે તૈયાર થયાં છે. આવા ઊબડખાબડ રસ્તાથી વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે. વેજલપુર, જોધપુર, બોડકદેવ, સેટેલાઈટ સહિત શહેરભરમાં ફકત કપચી જ નજરે પડે છે. જે કપચીઓ અત્યારથી ઊખડી ગઇ છે. ઉખડેલી કપચી ઊડી ઊડીને વાહનચાલકોને ઇજાગ્રસ્ત કરી રહી છે. સાવ વાહિયાત રીતે મ્ય્ુનિ. સત્તાધીશોએ રસ્તાના ખાડા પૂરવા લીધા હોઇ નાગરિકો રોષે ભરાયા છે.

નબળી ગુણવત્તાની ફરિયાદ અંગે ચોક્કસ તપાસ કરાશેઃ જતીન પટેલ
રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ કહે છે કે, ‘જે જે સ્થળોની નબળી ગુણવત્તાની ફરિયાદ ઊઠી છે તે તમામ સ્થળોની કામગીરીની ચોક્કસ તપાસ કરાશે.’

એક સ્થળે ફરિયાદ હતી, જેને દૂર કરાઇ છેઃ એન. કે. મોદી
નવા પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી ઇજનેર એન. કે. મોદી કહે છે કે, ‘નવા પશ્ચિમ ઝોનમાં એક જ સ્થાનેથી ફરિયાદ મળી હતી, જેને દૂર કરાઇ છે. હવે ક્યાંયથી કોઇ ફરિયાદ નથી. કોન્ટ્રાકટરે સંતોષકારક કામગીરી કરી છે.’ અાશરે ૧૫થી ૨૦ લાખના ખર્ચે પેચવર્કના કામો હાથ ધરાયા હતા. જે ચાર દિવસથી બંધ છે.

You might also like