ભ્રષ્ટાચારમાં રેલવે ટોચ પર, સરકારી બેન્ક બીજા ક્રમાંકે

નવી દિલ્હી: સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડે સુધી ખૂંપેલાં છે. સરકારી બેન્કના કર્મચારીઓએ પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપવામાં કોઇ કસર છોડી નથી. એમાં પણ દિલ્હી સરકારની વાત કરીએ તો અહીં પણ ગેરકાયદે પૈસા બનાવવામાં મોખરે છે.

ભ્રષ્ટાચારના આ આંકડા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) દ્વારા ગઇ સાલ પ્રાપ્ત થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદો પરથી બહાર આવ્યા છે. સીવીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી ભ્રષ્ટાચારની આ યાદીમાં રેલવે સૌથી ટોચ પર છે અને બીજા સ્થાને સરકારી બેન્ક છે.

સીવીસીએ ર૦૧પ માટે તૈયાર કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે રેલવે કર્મચારીઓ વિરુદ્ધ ૧ર,૩૯૪ ફરિયાદ આવી છે. જ્યારે બેન્ક કર્મચારી વિરુદ્ધ પ,૩૬૩ અને દિલ્હી સરકારના કર્મચારીઓ વિરુદ્ધ પ,૧૩૯ ફરિયાદ મળી છે.

સીવીસી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય વિરુદ્ધ ૪,૯૮૬ ફરિયાદો મળી છે, શહેરી વિકાસ મંત્રાલય વિરુદ્ધ ૩૦૭૯, ટેલિકોમ મંત્રાલયના કર્મચારીઓ વિરુદ્ધ ૩,૩૭૯ ફરિયાદ નોંધાઇ છે. વિવિધ સરકારી વિભાગોમાં કાર્યરત સીવીસીના ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા તૈયાર કરાયેલી ભ્રષ્ટાચારની આ યાદીમાં કુલ પ૬,૧૦૪ ફરિયાદો મળી છે.

You might also like